Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ઉનામાં ૩ કલાકમાં ૩ ઇંચ : ગીર ગઢડામાં ર કલાકમાં ર ઇંચ : મચ્‍છુન્‍દ્રી નદીમાં પુર

ઉના-ગીર ગઢડા પંથકમાં ગઇકાલે બપોરથી મેઘરાજા વરસી પડયાઃ આજે સવારે ઉઘાડ : એસટી બસ સ્‍ટેશન વિસ્‍તારમાં પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા : જુડવડલી, ફાટસર, ઇંટવાયા, દ્રોણ, ઝાંખીયા, બાબરીયા, વડવીયાળામાં ર ઇંચ

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૬: ઉના શહેરમાં ગઇકાલે બપોરે ધોધમાર વરસાદ વરસી પડતા ૩ કલાકમાં ૩ ઇંચ તથા ગીર ગઢડામાં ર કલાકમાં ર ઇંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્‍ય વિસ્‍તારના જુડ વડલી ફાટસર સહીત ગામોમાં સરેરાશ ર ઇંચ વરસાદ પડી ગયો હતો. ઉના-ગીરગઢડામાં   મુશળધાર વરસાદથી મછુન્‍દ્રી નદીમાં પુર આવેલ છે.
ઉના-ગીર ગઢડા પંથકમાં આજે સવારે ઉઘાડ થઇ ગયો છે.
ઉનામાં ગઇકાલે બપોરે ૩ વાગ્‍યાથી ધોધમાર સુપડાધારે વરસાદ વરસવાનું શરૂ થતા સાંજે ૬ વાગ્‍યા સુધીમાં ૭૫ મી.મી. વરસાદ વરસી જતા મોસમનો કુલ ર૮ ઇંચ વરસાદ થયેલ છે. ધોધમાર વરસાદથી શહેરમાં પોસ્‍ટ ઓફીસ ચોક, ટાવર ચોક, પોલીસ સ્‍ટેશન સામે, આનંદ બજાર, વરસીંજપુર રોડ, ગની માર્કેટ, એસ.ટી. બસ સ્‍ટેશન વિસ્‍તારમાં ગોઠણડુબ પાણી ભરાઇ ગયા હતા. વેપારીઓના પાર્ક કરેલ વાહનો ડુબી ગયા હતા.
તાલુકાના દેલવાડા, નવાબંદર, સીમર, સામતેર, અંજાર, ભાચા, સનખડા, આમોદ્રામાં બે થી ૩ ઇંચ વરસાદ વરસી ગયો છે. ગીરગઢડા શહેરમાં ગઇકાલે બપોરે બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયેલ હતો. ગ્રામ્‍ય વિસ્‍તાર જુડવડલી, ફાટસર, ઇટવાયા, દ્રોણ, ઝાંખીયા, બાબરીયા, વડવીયાળામાં બે ઇંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઇ ગયું છે. ધોકડવામાં અને તુલશીયામમાં બે ઇંચ વરસાદ પડયો હતો.
ઉના-ગીર ગઢડા તાલુકાના જીવાદોરી સમાન મછુન્‍દ્રી ડેમ ઉપરવાસ વરસાદ પડવાથી ડેમમાં ૧૯૧૦ કયુસેક પાણીની આવક આવતા ૨૦ મીટર ભરાયો છે. ર૦ સેમી. ઓવરફલો ચાલુ રહેતા મછુન્‍દ્રી નદીમાં પુર આવેલ છે. પ્રતિ સેકન્‍ડ ૧૯૧૦-૩૧ કયુસેક પાણી પસાર થાય છે. રાવલ ડેમ ઉપર વરસાદ પડતા જંગલમાં વરસાદ પડતા ૧પ.૬૦ મીટર ભરાયેલ છે. ૧૯ મીટરે ઓવરફલો થાય છે. રાવલ ડેમ ૭ર ટકા ભરાઇ ગયો છે.

 

(12:19 pm IST)