Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ધ્રાંગધ્રા વઢવાણમાં ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી-પાણી : ચુડા પંથકમાં વિજળી પડતા ૩ મહિલાને ઇજા

વઢવાણઃ સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલ્‍ટો આવતા ગાજળીના કડાકા ભડાકા સાથે લીંબડી સહિત પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી થઇ હતી. પાંચ કલાકમાં અંદાજે ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસતાં શહેરમાં નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ચુડા તાલુકાના ગોખરવાડા ગામે ભરવાડ સમાજનાં મઢ સરૈયા માતાજીના મંદિર ઉપર આકાશી વિજળી ત્રાટકતા ઘુમ્‍મટને નુકશાન થયુ હતું. જો કે, જાનહાનીના કોઈ સમાચાર નથી. જયારે ચુડા તાલુકાના ભૃગુપુર ગામે રાજુભાઈ નાગજીભાઈના ખેતરમાં વિજળી પડતા ખેતરમાં કામ કરતા આરતીબેન રાજુભાઈ (ઉવ.૧૮), ગીતાબેન રાજુભાઈ (ઉ.વ ૩૮) અને નીરૂબેન રાજુભાઈ (ઉવ.૪૯)ને ઈજા થતા લીંબડી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. ધ્રાંગધ્રામાં સવારથી જ ભારે વરસાદ રહેતા શહેરની બજારોમાં પાણી ભરાયા હતા. શકિત મંદિર ચોક, રાજકમલ ચોક, શાક માર્કેટ સહિતના વિસ્‍તારોમાં પાણી ભરાતા વેપારીઓ-રાહદારીઓને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. નિચાણવાળા રહેણાંક વિસ્‍તારો અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. ધ્રાંગધ્રા શહેરમાં અનેક જગ્‍યાએ પાણી ભરાતા ભુગર્ભ ગટરનો ખર્ચ એળે જતા પ્રિમોન્‍સુન કામગીરી સામે રોષ જોવા મળ્‍યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ ઝાલાવાડમાં લાંબા વિરામ બાદ ભારે વરસાદ થયો છે. અને હજુ પણ વરસાદ પડવાની આગાહી છે. (તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:45 pm IST)