Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

પડધરીની મુખ્ય બજારમાં હડકાયા બનેલા ભૂંડે આતંક મચાવ્યો :પાંચને બચકા ભર્યા:ત્રણ હોસ્પિટલમાં દાખલ

બાળકી અને વૃધ્ધા સહિત ત્રણ હડકાયા ભૂંડનો ભોગ બનતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પ્રથમ પડધરી અને બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

પડધરીની મુખ્ય બજારમાં આજે સવારે હડકાયા બનેલા ભૂંડે આતંક મચાવી દેતાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. હડકાયા બનેલા ભૂંડે એક 50 વર્ષીય પ્રૌઢ અને 15 વર્ષની સગીરની સાથે સાથે ભૂંડ પકડવા ગયેલા યુવકને બટકા ભરી ગંભીર રીતે ઘાયલ કરતાં ત્રણેયને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત અનુસાર, પડઘરીના મુખ્ય બજારમાં આજે સવારે અચાનક એક હડકાયું ભૂંડ આવી ચડયું હતું. આ હડકાયા ભૂંડે બજારમાં આતંક મચાવી દેતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન બજારમાં નીકળેલા કવીબેન સાડમીયા અને 15 વર્ષીય રસીલા સાડમીયાને આ ભુંડે શિકાર બનાવી બન્નેને શરીરે બટકા ભરી લીધા હતાં. હડકાયા ભૂંડને પકડવા આવેલ લતીપરના ઈસિંગ કુલદીપસિંગ ઘણીને પણ ભુંડે બટકા ભરી લીધા હતાં.

ઘટનાને પગલે બાળકી અને વૃધ્ધા સહિત ત્રણ હડકાયા ભૂંડનો ભોગ બનતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પ્રથમ પડધરી અને બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હડકાયા ભુંડે પાંચ વ્યક્તિને બટકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. આશરે દોઢ કલાક સુધી આ ભુંડે પડધરીની બજારમાં આતંક મચાવતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ભુંડે વૃધ્ધા અને બાળકીને ઘાયલ કરતાં આ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો.

સારવાર માટે ખસેડાયેલા યુવાને જણાવ્યું હતું કે ખેતરમાં કરંટ લાગતાં ભૂંડ ગામમાં આવી ગયું હતું. હિંસક બનેલા આ ભૂંડે ત્રણ-ચાર લોકોને બચકાં ભર્યાં હતાં. બાદમાં એક વંડામાં હતું તો હું તેને ગયો હતો, પરંતુ ભૂંડે મારા પર જ હુમલો કરી દીધો. હતો. તેમ છતાં પણ મેં ભૂંડને પકડી લીધું હતું. મને બંને પગ, હાથમાં અને છાતીના ભાગે બચકાં ભર્યા છતાં હિંમત કરી ભૂંડને દોરડાથી વીજપોલ સાથે બાંધી દીધું હતું.

(12:58 am IST)