Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વિસાવદરની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો.પ્રિયવદન કોરાટનું ઉપસતુ નામઃ હર્ષદ રિબડીયાના પક્ષ ત્‍યાગ બાદ આકાર લેતા નવા જ રાજકીય સમીકરણો

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર,તા. ૬ :  હર્ષદભાઈ રિબડીયાએ વિસાવદર-ભેસાણના ધારાસભ્‍ય તથા કોંગ્રેસના પ્રાથમિક સભ્‍યપદેથી રાજીનામા આપ્‍યા બાદ આ વિધાનસભા મતક્ષેત્રની બેઠક પર અવનવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યા છે.

પ્રાપ્‍ય વિગતો અનુસાર વિસાવદર-ભેસાણની બેઠક પર વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડદોરીયા તથા તેમના ધર્મપત્‍નિ-જિ.પં.સદસ્‍યા શ્રીમતિ ચંદ્રિકાબેન વાડદોરીયા,ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઇ ત્રાપસીયા,મોટી મોણપરીના વરિષ્ઠ કોંગી- અગ્રણી ભરતભાઇ વિરડીયાના ટીકીટના દાવેદારો તરીકે નામ જાહેર થયા હતા.જેમા હર્ષદભાઈ રિબડીયાના પક્ષ ત્‍યાગની ઘટનાને પગલે વધુ એક નામ ઉમેરાયુ છે.સૌરાષ્ટ્ર-ગુજરાતના વરિષ્ઠ કેળવણીકાર ડો.પ્રિયવદન કોરાટનુ નામ આ બેઠક પર જોરશોરથી ગાજવા લાગતા નવા જ સમીકરણો આકાર લઈ રહ્યાનુ ચિત્ર ખડુ થઈ રહ્યુ છે.

ડો.પ્રિયવદન કોરાટ મુળ વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના વતની છે.સને-૨૦૦૨/ ૨૦૦૭ તથા ૨૦૧૨મા તેમનુ નામ આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકેના દાવેદાર તરીકે મોવડીમંડળ સુધી પેનલમા નામ ગયુ હતુ.૧૯૯૦થી વિદ્યાર્થીકાળથી જન્‍મજાત કોંગ્રેસ સાથે સંકળાયેલ છે.ચાર ટર્મ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્‍ય તરીકે સેવા બજાવી ચૂક્‍યા છે.હાલ ગુજરાત માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સતત પાંચમી ટર્મ સંચાલક મંડળ વિભાગમાથી સિનિયર બોર્ડ મેમ્‍બર તરીકે સેવા બજાવી રહ્યા છે.ડો.કોરાટનુ નામ વિસાવદરની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદાર તરીકે ઉભરી આવતા આ બેઠક પરની પ્રવાહી રાજકીય પરિસ્‍થતિમા વધુ એક પરિમાણ ઉમેરાયુ છે.

(12:30 pm IST)