Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

બોટાદનું સેંકડોની વસ્તી ધરાવતું ઢસા ગામ સમરસ

ગામમાં લોકો એક થઈને ગામને સમરસ બનાવ્યું :ઢસા ગામ લોકો ૨૫ વર્ષ બાદ ગ્રામ પંચાયતને આ વર્ષે સમરસ કરી અને એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે

બોટાદ, તા.૫ : હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જો કે પ્રત્યક્ષ રીતે કોઈ રાજકીય પક્ષઓ ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા નથી, પરંતુ આમ જોઈએ તો પરોક્ષ રીતે ચૂંટણી લડનારા દરેક કોઈને કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય છે. જેને લઇને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામતો હોય છે. આવા સંજોગોમાં ગ્રામ પંચાયતને સમરસ કરવી મુશ્કેલ છે પરંતુ ઢસા ગામ લોકો ૨૫ વર્ષ બાદ ગ્રામ પંચાયતને આ વર્ષે સમરસ કરી અને એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગ્રામપંચાયતની ચૂંટણીઓ જાહેર થયા બાદ ઉમેદવારો પોતાના નામ નોંધવા તો પોતાનું વર્ચસ્વ દાખવવા દોડી રહ્યા છે. ગ્રામ પંચાયત ચૂંટણીઓ પ્રત્યક્ષ રીતે તો નહીં પરંતુ પરોક્ષ રીતે ભાજપ કોંગ્રેસ થઈ રહ્યું છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ ૧૫૯ ગ્રામ પચાયતની ચૂંટણી યોજાવાની છે. જયાં આ વર્ષે સરકાર દ્વારા સમરસ ગામે વધુ ગ્રાન્ટ અને લાભોની જાહેરાત કરી છે. ગઢડા તાલુકાનું સૌથી વધુ ૧૭ હજારની વસ્તી ધરાવતું ઢસા ગામ કે જ્યાં ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે મુકેશભાઈ રાજપરા ચૂંટાય આવેલા હતા અને તેમના દ્વારા ગામની અંદર રોડ, રસ્તા, પાણી ગટર સહિત અનેક વિકાસના કામો કરવામાં આવ્યા તેમજ જિલ્લાનું સૌથી મોટુ અને સુંદર મોક્ષધામ લોક ભાગીદારીથી બનાવામાં આવ્યું છે, તેમજ ગામની અંદર સીસીટીવી કેમેરા સહિતના કામો કરવામાં આવેલ જે કામોને લઈ ગામના અગેવાનો દ્વારા નિર્ણય લઈ અને ઢસા ગામને સમરસ બનાવા માટેની વાત કરતા સર્વ સમાજને સાથે રાખી ગ્રામ પંચાયતને સમરસ બનાવેલ છે. એક બાજુ ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે ત્યારે બીજી બાજુ તથા ગામમાં લોકો એક થઈ અને ગામને સમરસ બનાવ્યું છે.

ત્યારે હવે પક્ષાપક્ષીને ભૂલી તથા ગામના લોકો માત્ર ગામના વિકાસને જ એક લક્ષ્ય બનાવી એક જૂથ થઈ અને ગામને સરસ બનાવ્યું છે, તેમજ સમરસ થતાં જ ગામના વિકાસ માટે સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટ પર મળશે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન સરકારને અને ચૂંટણી લડનાર અને બંનેને થતા મોટા ખર્ચ પણ બચ્યા છે. ત્યારે આ ગામ પરથી બીજા ગામના લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ.

(8:56 pm IST)