Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

લક્ષ્મીવાસ ગામમાં અનોખો ઇતિહાસ :આઝાદીથી જ નથી યોજાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી.

દેશ આઝાદ થયો ત્યારથી નાના એવા સમજુ ગામમાં સંપ અને સહકારથી ચૂંટણીને જાકારો, ફરી એકવાર ગ્રામ પંચાયત સમરસ જાહેર, સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપી આખી ગ્રામ પંચાયતની બોડીમાં માત્ર મહિલાઓનું જ શાસન

માળીયાના નાના એવા લક્ષ્મીવાસ ગામે અનોખો ઇતિહાસ રચ્યો છે.જેમાં આ ગામમાં આઝાદીથી અત્યાર સુધીમાં એકપણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. આ લક્ષ્મીવાસ ગામે એકપણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી ન યોજી સમરસ કરવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને ફરી ફરી એકવાર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપી આખી ગ્રામ પંચાયતની બોડીમાં માત્ર મહિલાઓને જ શાસન સોંપાયું છે.
માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના પૂર્વ સરપંચ પ્રાણજીવન કાવરે જણાવ્યું હતું કે, દેશમાં આઝાદી આવી ત્યારથી માંડીને આજદિન સુધી અમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. તમામ ગામલોકોએ હળીમળીને સંપ અને સહકારથી આઝાદી જ ગ્રામ પંચાયતની ચૂંટણીને જાકારો આપી ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય લીધો હતો અને આજદિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ન કરીને સમરસ કરવાની અમારા ગામે સિદ્ધિ મેળવી છે. આઝાદીથી દર વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીને સમરસ જાહેર કરાઈ છે. આ ક્રમ આ વખતની ચૂંટણીમાં પણ યથાવત રહ્યો છે. આ વખતે તો ગ્રામ પંચાયતની આખી બોડી જ મહિલાઓની છે.
માળીયાની લક્ષ્મીવાસ ગામના સરપંચ તરીકે લાભુબેન પ્રાણજીવનભાઈ કાવરની વરણી કરવામાં આવેલ છે. તેમજ સભ્યો તરીકે વોર્ડ નં. ૧માં હંસાબેન સંઘાણી, વોર્ડ નં. ૨માં અનસોયાબેન અગોલા, વોર્ડ નં. ૩માં લત્તાબેન કાવર, વોર્ડ નં. ૪માં ગીતાબેન કાવર, વોર્ડ નં. ૫માં વિજયાબેન કાવર, વોર્ડ નં. ૬માં મંજુલાબેન સંઘાણી, વોર્ડ નં. ૭માં ચંપાબેન ગઢીયાની નિમણુંક કરવામાં આવી છે. આમ, આખી પંચાયતની બોડીમાં મહિલા હોદેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. આ અગાઉ પાંચ વર્ષ પહેલાની ચૂંટણીમાં પણ પંચાયતમાં માત્ર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ લક્ષ્મીવાસ ગામને આદર્શ ગામ એવોર્ડ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ અને નિર્મળ ગામનો એવોર્ડ પ્રાપ્ત થઇ ચુક્યા છે.

(11:31 pm IST)