Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જામનગરમાં તંત્રની બેદરકારી: 7 મહિના પહેલા મૃત્યુ પામનારાને આપ્યો વેક્સીનનો બીજો ડોઝ: સર્ટીફીકેટ ઈશ્યુ

મૃતકનું વેક્સીનેશન સર્ટીફીકેટ જોઈએ પરિવારના સભ્યો ચોંકી ગયા :કોંગ્રેસ કોર્પોરેટર અસલમ ખીલજીને થતા તેમને આ બાબતે જામનગર મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી

જામનગરમાં એક વ્યક્તિના મૃત્યુબાદ તેને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું સર્ટીફીકેટ ઈશ્યુ થયું છે.

આ સર્ટીફીકેટ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ મૃતકના પરિવારના સભ્યોને આપ્યું હતું. મૃતક વ્યક્તિના નામ પર રહેલું સર્ટીફીકેટ જોઈને પરિવારના સભ્યો સ્તબ્ધ થઇ ગયા હતા. ત્યારબાદ આ મામલો પૂર્વ વિપક્ષ નેતાના ધ્યાન પર આવતા તેમને આ બાબતે કમીશનરને રજૂઆત કરી છે.

રિપોર્ટ અનુસાર જામનગરના મોરકંડા રોડ પર જેન્તીલાલ પરમારનું ઘર આવેલું છે. આ જેન્તીલાલ પરમારનું અવસાન 30-4-2021ના રોજ થયું હતું. જેન્તીલાલન મોતના 7 મહિના પછી એટલે કે 30 નવેમ્બરના રોજ આરોગ્યવિભાગના કર્મચારી જેન્તીલાલના ઘરે જઈને મૃતક જેન્તીલાલે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હોવાનું સર્ટીફીકેટ આપ્યું હતું. મૃતકનું વેક્સીનેશન સર્ટીફીકેટ જોઈએ પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. તેથી પરિવારના સભ્યો દ્વારા પણ આ બાબતે તપાસની માંગણી કરવામાં આવી રહી છે. આ વાતની જાણ કોંગ્રેસ કોર્પોરેટર અસલમ ખીલજીને થતા તેમને આ બાબતે જામનગર મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી હતી.

આ બાબતે જામનગર મહાનગરપાલિકાના નાયબ કમીશનર એ.કે. વસ્તાણીએ જણાવ્યું હતું કે, જામનગરમાં મૃતક વ્યક્તિને વેક્સીન આપી તેના ઘરે સાત મહિના પછી વેક્સીનેશન સર્ટીફીકેટ ગયું તેવી કોઈ ફરિયાદ અમને મળી નથી. આ બાબતે ટેકનીકલ ક્ષતિ હોઈ શકે છે. પણ કોઈ મૃતકને વેક્સીન આપી તેનું પ્રમાણપત્ર આપવામાં આવે તે ફિઝીકલી ન બને.

તો બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખીલજીએ જણાવ્યું હતું કે, જામનગરમાં મોરકંડા રોડ પર રહેતા જેન્તીલાલ પરમારનું અવસાન 30 એપ્રિલના રોજ થયું હતું. ત્યારબાદ 30 નવેમ્બરના રોજ આરોગ્યકર્મી ઋતુ ભેંસદડીયા મૃતક જેન્તીલાલના ઘરે જઈને મૃતકે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હોય તેવું સર્ટીફીકેટ આપ્યું હતું.

વેક્સીનનો આંક વધારવા માટે તંત્ર દ્વારા આ પ્રકારની ગોલમાળ કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો તંત્ર પર થઇ રહ્યા છે. ત્યારે હવે હોવાનું એ રહે છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા આ બાબતે જવાબદાર લોકોની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.

(11:57 pm IST)