Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

હળવદના માતા અને પુત્ર એ દેહદાનનો સંકલ્પ કરી સમાજને પ્રેરણા પુરી પાડી

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૬ : હળવદ શહેર છોટાકાશી તરીકે જગ વિખત્યાત છે ત્યારે હળવદમાં અનેક મહાનપુરુષો એ જન્મ લઈને દેશ અને સમાજ ને અનેક વિશેષ સેવાઓ પુરી પાડી છે અને સમાજ ને નવો રાહ ચીંધ્યો છે જેમાં કિડની હોસ્પિટલ અમદાવાદ ના પ્રણેતા ભારત રત્ન ડો. એચ.એલ.ત્રિવેદી, ખગોળ શાસ્ત્રી ડો. જે.જે.રાવલ , ડિજિટલ ટેલિફોન યુગ માટે જેમનું વિશેષ યોગદાન છે તેવા શામ પિત્રોડા સહિત હળવદ ના અનેક મહાપુરુષો એ દેશ અને દુનિયાને નવો રાહ ચીંધ્યો છે ત્યારે તાજેતર માં જ હળવદ શહેરમાં રહેતા માતા અને પુત્ર એ તેમના મૃત્યુ પછી દેહ દાનનો સંકલ્પ કરી અને સમાજને નવો રાહ ચીંધ્યો છે તેવા ધાર્મિક જીવન જીવતા માતા વિજયાબેન છગનભાઇ એરવાડિયા અને પુત્ર કિશોરભાઈ છગનભાઇ એરવાડિયા એમ બંને માતા પુત્ર એ સુરેન્દ્રનગર સ્થિત સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે દેહ દાન કરવા માટે સંકલ્પ પત્ર ભર્યું છે ત્યારે આ શુભ સંકલ્પ થી તેમના અંગો મૃત્યુ પછી પણ કોઈના શરીરમાં ધબકતા રહેશે અને બાકી નો દેહ પણ મેડિકલ કોલેજ માં મેડિકલ વિદ્યાર્થીઓના વિઘા અભ્યાસ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ પ્રકારે માતા અને પુત્ર એ દેહ દાન નો એકસાથે સંકલ્પ કર્યો હોય તેવા કિસ્સાઓ ખૂબ જ નહિવત છે ત્યારે આ ઉમદા નિર્ણય થી એરવાડિયા પરિવારે આ વિસ્તાર સહિત દેશભર ના લોકો ને પહેલ કરી છે અને પ્રેરણા પુરી પાડી છે અત્રે ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ એરવાડિયા એ પાંચ વખત છપૈયા (અયોધ્યા) ૧૬૦૦ કી. મી ની પાંચ પાંચ વખત પદયાત્રા કરી છે અને બહુચરાજી અંબાજી અને માતા ના મઢ પણ સાયકલ અને પદયાત્રા કરી ચુકયા છે અને કિશોરભાઈ ૪૪ વખત રકતદાન કરી અને અનેક દર્દી ની જિંદગી બચાવવા માં નિમિત બન્યા છે ત્યારે કિશોરભાઈ એ યુવાની માં રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાનના સૂત્રને પોતાના જીવન માં ઉતારી અને ચરિતાર્થ કર્યું છે કિશોરભાઈ એરવાડિયા અને તેમના માતુશ્રી વિજયાબેનના દેહદાનના સંકલ્પથી આ વિસ્તાર ને એક અનેરી પ્રેરણા મળી છે.

(11:47 am IST)