Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મોરબીના નાનીવાવડી પાસે 'હિટ એન્ડરન': અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધ જેન્તીભાઇનું મોત

જેન્તીભાઇ પડસુંબીયા બાઇક લઇને બગથડા ગામે જતા'તાઃ વૃધ્ધનું રાજકોટ હોસ્પિટલમાં મોત નિપજતા પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૬ : મોરબીના નાનીવાવડી પાસે 'હિટએન્ડરન'ની ઘટનામાં અજાણી કારના ચાલકે બાઇકને ઉલાળતા વૃધ્ધનું રાજકોટની સિવીલ હોસ્પીટલમાં મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ નાનીવાવડી ગામમાં રહેતા જેન્તીભાઇ શિવાભાઇ પડસુંબીયા (ઉ.૬૧) ગઇકાલે પોતાનું મોટરસાયકલ લઇને નાનીવાવડીથી બગથડા ગામે જતા હતા ત્યારે નાનીવાવડી ગામ નજીક એક અજાણી કારના ચાલકે બાઇકને ઉલાળતા વધ્ધ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી અકસ્માત સર્જ કાર ચાલક નાશી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

ગામના જ એક વ્યકિતએ વૃધ્ધ જેન્તીભાઇના પુત્રને જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાદ વૃધ્ધને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું મૃતક જેન્તીભાઇ ખેતી કરતા હતા એક પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે મોરબી પોલીસે તપાસ હાથધરી છે.

(1:07 pm IST)