Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પંદર વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં

ટ્રેનીંગ ફી, વિઝા,આવવા તથા જવા માટે એર ટીકીટ, રહેવા-જમવાનો સહિત તમામ ખર્ચ

 

જૂનાગઢ તા.૬: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્લ્ડ બેંક, આઈસીએઆર, ન્યુ દિલ્હી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઈડીપી) અંતર્ગત બી.એસસી. (હોનર્સ) એગ્રીકલ્ચર અને બી.એસસી. (હોનર્સ) હોર્ટીકલ્ચરના પંદર વિદ્યાર્થીઓને ત્રણ મહિના માટે આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં મોકલવામાં આવનાર છે. આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગ માટે ચાર વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર બાયોસલાઈન એગ્રીકલ્ચર, દુબઈ, પાંચ વિદ્યાર્થીઓને એશિયનઇન્સટીટ્યુટઓફ ટેકનોલોજી, થાઈલેન્ડ, એક વિદ્યાર્થીને હર્બ્રુ યુનિવર્સિટી ઓફ જેરૂસલેમ, ઇઝરાયલ તથા પાંચ વિદ્યાર્થીઓને યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયા, યુસી ડેવિસ અમેરિકા ખાતે મોકલવામાં આવશે.

તાલીમમાં જતા વિદ્યાર્થી માટે યોજાયેલ વિદાય સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ ડાયરેકટર, એન.એ.એચ.ઈ.પી,ન્યુ દિલ્હીના ડો.આર.સી.અગ્રવાલ, નેશનલ સંયોજક એન.એ.એચ.ઈ.પી,ન્યુ દિલ્હી ડો.પી.રામા સુન્દરમ, કુલપતિ ડો.એન.કે.ગોટીયા, સંશોધન નિયામકશ્રી તથા પ્રોજેકટ પી.આઈ, ડો.પી.એમ.ચૌહાણ, કુલસચીવ ડો.આર.કે.માથુકીયા, ડો.એસ.જી.સાવલિયા, આચાર્ય અને ડીન તથા પ્રોજેકટના કો-પી.આઈ, કૃષિ મહાવિદ્યાલય ડો.વી.આર.માલમ, વિદ્યાર્થી કલ્યાણપ્રવૃત્ત્િ। વગેરે ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહી પોતાના વકતવ્યમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં વિદ્યાર્થીઓ કૃષિક્ષેત્રમાં આધુનિક વિષયો જેવા કે ગ્રીનહાઉસ ટેકનોલોજી, કૃષિમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ, ખારાશ વાળી જમીનમા ખેતીની નવી પદ્ઘતિઓ, કૃષિક્ષેત્રમાં ખાતર અને પિયતનું આયોજન, ખેતી પાકોમાં આવતા વિવિધ જીવજંતુ તથા ફૂગને અટકાવાના ઉપાયો, નર્સરીમાં બાગાયતી પાકોનુ આયોજન જેવા વિષયો પર તાલીમ પ્રાપ્ત કરશે.

આ આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગ માટે થનાર ખર્ચ જેવા કેવિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાની ટ્રેનીંગ ફી, વિઝા, આવવા તથા જવા માટે એર ટીકીટ ઉપરાંત ત્રણ મહિના દરમિયાન રહેવા અને જમવાનો વગેરે જેવો તમામ ખર્ચ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૪ વિદ્યાર્થીઓને વિવિધ આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં મોકલવામા આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.જે.એસ.પરસાણા અને ડો.બી.સ્વામીનાથને કર્યુ હતું.

(1:13 pm IST)