Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભાવનગરમાં ઘરની બહાર નીકળતા જ આધેડને આખલાએ અડફેટે લીધો : માંડ માંડ જીવ બચ્યો

આખલો શીંગડા અને પગ વડે ખૂંદવા લાગ્યો : આજુબાજુ અને પરિવારના સભ્યોએ બચાવી લીધા : વિડિઓ વાયરલ

ભાવનગર: શહેરનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેમા ઘરની બહાર નીકળતા જ આધેડને આખલાએ પોતાનો નિશાન બનાવ્યો હતો. અને શિંગડા અને પગ વડે ખુંદવા લાગ્યો હતો. સદનસિબે આજુ બાજુ અને પરિવારના લોકોએ તેમને  બચાવી લીધો હતો.

મળતી વિગત મુજબ સરદારનગર ઓડિટોરિયમ વિસ્તારનો આખલાના આતંકનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં એક આખલો રોડ પર એક ઘર નજીક ઉભો છે. જે રસ્તા પર અવર જવર કરતાં લોકોને અડફેલે લેવાની ફિરાકમાં છે.

એવામાં એક આધેડ ઘરની બહાર જેવા નીકળ્યા એવા આખલાએ પોતાના શિંગડામાં ઉંચકી લીધા અને થોડાક અંતર સુધી ઢસડ્યા, ત્યારબાદ આધેડને નીચે જમીન પર પાડી દઈ 30 સેકેન્ડ સુધી તેની પર હુમલો કરતો રહ્યો હતો. જોકે, સદનસીબે પરિવારજનો અને આજુબાજુના લોકો દોડી આવ્યાં અને જીવ બચી ગયો. આ ઘટનામાં આધેડને બચાવવા જતા એક મહિલાને પર પણ આખલાએ હુમલો કરી પાડી દીધી હતી.

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તંત્રને લોકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ રખડતા ઢોર પકડવાનો દાવો પોકળ સાબિત થાય છે. શહેરના કાળાનાળા, જશોનાથ સર્કલ, શાકમાર્કેટ, ઘોઘા જકાતનાકા, ચિત્રા રોડ, સંત કવરામ ચોક, મહિલા કોલેજ, કેર્સંટ સર્કલ સહિતના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ રોડ પર અડીંગો જમાવી બેસી જતા હોય છે, તેથી વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મૂશ્કેલી સામનો કરવો પડે છે.

(6:52 pm IST)