Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાણાવાવના ભોદ સીમમાં તસ્‍કરોનો ત્રાસ દૂર કરવા ઘોડેસ્‍વાર પોલીસ અને પોલીસ પેટ્રોલિંગ વધારવા રામભાઇ મોકરીયાની પોરબંદર એસ.પી. ડો. રવિ મોહન સૈનીને સુચના

રાણાવાવના પીએસઆઇ કડક હાથે કામ કરે અને કોઇ મોટો બનાવ ન બને તે માટે કામગીરી કરે તે અત્‍યંત જરૂરી

રાજકોટ તા. ૫ : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ સીમ તથા આજુબાજુના વિસ્‍તારમાં તસ્‍કરોનો ત્રાસ વધ્‍યો છે જે અંગે ભોદ ગામના ગ્રામજનો દ્વારા રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાને રજૂઆત કરવામાં આવતા રામભાઈ મોકરીયા દ્વારા પોરબંદર એસ.પી. ડો. રવિ મોહન સૈનીને ઘોડેશ્વર પોલીસ અને પોલીસ પેટ્રોલિંગ વધારવા દિવસ રાત સતત પેટ્રોલિંગ કરવા સુચના આપવામાં આવી છે. કોઈ અજાણ્‍યા માણસ દેખાય તો પૂછપરછ કરીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સૂચના રાણાવાવના પીએસઆઇને આપવામાં આવી છે

રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાને રજૂઆત કરતા ભોદ ગામના ગ્રામજનો એ જણાવ્‍યું છે કે ભોદ સીમ તથા આસપાસના સીમના ખેડૂત ભાઈઓ છેલ્લા ઘણા દિવસોથી બે-ચાર ગામમાં ચોરીના બનાવ બનવા લાગ્‍યા છે તસ્‍કરો ચોરી તો કરે છે પણ સાથોસાથ લોકોને મારકૂટ પણ કરે છે આવા તત્‍વોને પકડવા માટે પોલીસ વધુ કામગીરી કરે તે જરૂરી છે.

ખેડૂતની વાડી ઉપર મધ્‍યપ્રદેશ અથવા ઉત્તર પ્રદેશના મજૂરો મજૂરી કામ કરતા હોય અથવા તો ખેતર ભાગમાં રાખતા હોય તેઓને સાંજે ૬.૩૦ વાગ્‍યા બાદ વાડીની બહાર જવા દેવા નહીં કારણ કે આપણે કોઈને ઓળખતા નથી કે આ મજુર છે કે ચોરી કરવાવાળા તસ્‍કર છે.

ભોદ ગામની સીમમાં સાંજના ૭.૦૦ વાગ્‍યા પછી કોઈ અજાણ્‍યા માણસ દેખાય તો તેની પૂછપરછ કરવી અને એવું લાગે તો રાણાવાવ પોલીસને જાણ કરવી આ તસ્‍કરો હુમલો કરે તો તેને પાઠ પણ ભણાવવા ભોદ ગામના લોકોએ અપીલ કરી છે.

રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદરના એસપીને સૂચના આપતા વધુમાં જણાવ્‍યું છે કે સીમ વિસ્‍તારમાં ચોરી લૂંટ કે મારામારીના બનાવ ન બને તે માટે રાણાવાવના પી.એસ.આઇ તથા જે તે પોલીસ અધિકારીઓ દ્વારા કડક કામગીરી કરવામાં આવે અને લોકો સુરક્ષિત છે તેવો અહેસાસ થાય તથા લોકોનું મનોબળ ભાંગી ન પડે તે માટે અત્‍યંત કડક કામગીરી કરવા સૂચના આપી છે.

(10:26 am IST)