Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

આમરણની ડેમી નદીમાંથી સિંચાઇ માટે પાણી છોડવા માંગ

(મહેશ પંડયા દ્વારા)આમરણ તા. ૬ : આમરણની ઉપરવાસમાં આવેલ કોયલી પાસેના ડેમી ૩ ડેમમાંથી તાકિદે સિંચાઇનું માટેનું પાણી છોડી હેઠવાસના ધૂળકોટથી આમરણ સુધીના ગામોની કૃષિ જમીન પર ઉભેલા પાકને બચાવવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે.

આમરણ સહિત ધૂળકોટ, ડાયમંડનગર વગેરે ગ્રામ પંચાયતો દ્વારા ૧૫ દિવસ પહેલા નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી જળ સિંચાન વિભાગ મોરબીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

ગ્રામ પંચાયતો દ્વારા ફરી રજૂઆત કરાતા જણાવાયું છે કે હાલ ડેમી નદીમાં પાણીનોસ્ત્રોત ખલાસ થઇ જવા પામ્‍યો છે. ધૂળકોટ - આમરણ વચ્‍ચે ડેમી નદીના બંને કાંઠાની અંદાજે ૨૭૦૦ વિઘા જમીન પર ઉભેલ કપાસ- ઘઉં- જીરૂ- રાયડો- ચણા વગેરે ખેતીના પાકોને પાણીની તાકિદે જરૂરિયાત છે. અન્‍યથા પાક કરમાઇ જવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતો નિયમાનુસાર સિંચાઇ માટેના પાણીના પૈસા ભરવા માટે તૈયાર છે પણ સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવા માટેની મંજુરી પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો હોવાથી હાલ ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. ઉપરોકત બાબતે તાકિદે નિર્ણય લઇ ડમી - ૩ ડેમમાંથી હેઠવાસના ચેકડેમો ભરવા માંગણી કરવામાં આવી છે.

(12:07 pm IST)