Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ખંભાળિયાના વડત્રા ગામે માતાજીના મંદિર તથા રહેઠાણ મકાનમાં ચોરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા. ૬ : ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં આવેલા કાટેશ્વરી માતાજીના મંદિર ખાતે કોઈ હરામખોરોએ અનધિકળત રીતે પ્રવેશ કરી, મંદિરનું તાળું તોડ્‍યા બાદ આ મંદિરમાં રાખવામાં આવેલા રૂપિયા ૯,૦૦૦ ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાનો બનાવ સામે આવ્‍યો છે. આ બનાવ અંગે વડત્રા ગામના રહીશ ગોવાભાઈ કરણાભાઈ ચાવડાએ ખંભાળિયા પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે અહીંના પી.એસ.આઈ. વી.બી. પિઠીયા દ્વારા તસ્‍કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે.

આ વિસ્‍તારમાં અન્‍ય એક ચોરી થવા સબબ વડત્રાના મૂળ રહીશ પ્રજાપતિ રમણીકલાલ રામજીભાઈ સવનીયા (ઉ.વ. ૫૨) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ વડત્રા ગામે ઉપરોક્‍ત આસામીના બંધ મકાનના તાળા તોડી કોઈ તસ્‍કરો અહીં રાખવામાં આવેલી રૂપિયા ૧,૦૦૦ની કિંમતની સાયકલ સહિત નાની-મોટી ચીજ વસ્‍તુઓ મળી, કુલ રૂપિયા ૨,૬૦૦ નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવો બહાર આવ્‍યો છે. જે સંદર્ભે પોલીસે  ગુનો નોંધ્‍યો છે.

ખંભાળિયામાં રખડતો ભટકતો ઝડપાયો

ખંભાળિયા - જામનગર હાઈ-વે પર એક હોટલ પાસેથી પોલીસે રાત્રિના સમયે વડત્રા ગામના રહીશ શક્‍તિસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના ૨૫ વર્ષના શખ્‍સને બંધ દુકાનોના તાળા તપાસતા શંકાસ્‍પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્‍ટની કલમ ૧૨૨ (સી) મુજબ કાર્યવાહી કરી હતી.

બાઈકની હડફેટે બાળક ઇજાગ્રસ્‍ત

કલ્‍યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા પુરીબેન લખમીરભાઈ ઉલવા નામના ૭૦ વર્ષના મહિલાનો છ વર્ષીય પૌત્ર સામરાજ જેઠાભાઈ ઉલવા તેની સ્‍કૂલેથી પરત ફરી રહ્યો હતો, ત્‍યારે સરકારી સ્‍કૂલ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે, ૩૭ કે ૯૭૮૮ નંબરના મોટરસાયકલ ચાલકે સમરાજને અડફેટે લેતા તેને ફેક્‍ચર સહિતની ઇજાઓ સાથે હોસ્‍પિટલમાં સારવાર અપાઈ હતી. આ બનાવ અંગે કલ્‍યાણપુર પોલીસે પૂરીબેન ઉલવાની ફરિયાદ પરથી મોટરસાયકલ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:58 pm IST)