Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ટંકારા બેઠક ઉપર કોંગ્રેસનો હાથ મરડી ફરી કમળ ખીલશે

પાટીદાર અનામત વખતે કોંગ્રેસે જીતેલી ટંકારા બેઠક જાળવવા લલિત કગથરા લડતા રહ્યા, કાર્યકરો અને નેતાઓની કમી નડવાના એંધાણ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા,તા.૬: રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા અને રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.કેશુભાઈ પટેલ જ્‍યાંથી ચૂંટણીજંગ જીત્‍યા હતા તેવી ભાજપના ગઢ સમાન બેઠક ઉપર પાટીદાર અનામત આંદોલનનું રોડ રોલર ફરી વળતા અહીં પાટીદારોની નારાજગીને કારણે ભાજપને કારમી હાર સહન કરવાનો સમય આવ્‍યા બાદ ફરી આ વખતે ભાજપ માટે અહીં જીતના ઉજળા સંજોગો હોવાનુ મતદારોનો મિજાજ જોતા જણાઈ રહ્યું છે આ વખત ટંકારા બેઠક ઉપર કોંગ્રેસનો હાથ મરડી ભાજપનું કમળનું ફૂલ ખીલે તેવા સંકેતો ગ્રામ્‍ય મતદારોના મતદાન બાદ જોવા મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પૈકી ટંકારા બેઠક ઉપર ૭૧.૧૮ ટકા જેટલું મતદાન થયું છે પરંતુ આ વખતે મતદારો મૌન ધારણ કરીને બેઠા હોય ચૂંટણી પરિણામો કેવા આવશે તે કહી શકવું રાજકીય પક્ષો માટે પણ યક્ષ પ્રશ્ન સર્જાયો છે ત્‍યારે મોરબી અપડેટના ટંકારા પ્રતિનિધિ જયેશ ભટાસણાએ ગ્રામ્‍ય મતદારોનો સંપર્ક સાધવાની સાથે સ્‍થાનિક રાજકીય પંડિતો પાસેથી મતદાનના આંકડાઓનો નિષ્‍કર્ષ કાઢી પરિણામો કેવા આવશે તે અંગે કયાસ મેળવવા પ્રયાસ કર્યો છે.

સ્‍થાનિક ગ્રામીણ મતદારો અને રાજકીય વિશ્‍લેષકોના મતે પડધરી - ટંકારા બેઠક ઉપર આ વખતે કુલ ૨,૪૯,૫૦૮ મતદારો પૈકી ૯૬૭૯૫ પુરુષ અને ૮૦૭૧૭ મહિલા મતદારો મળી કુલ ૧,૭૭,૬૧૨ મતદાર એટલે કે ૭૧.૧૮ ટકા મતદારોએ મતદાન કર્યું છે. આ ઉપરાંત ૧૬૦૦ જેટલા બેલેટ પેપરથી મતદાન થયું છે. એકંદરે ટંકારા પડધરી મતવિસ્‍તારના લોકોનો મંતવ્‍યો જાણતા ભારતીય જનતા પાર્ટીને ૮૪૧૬૧ અને કોંગ્રેસને ૮૦૩૯૦, આમ આદમી પાર્ટીને ૧૧,૧૦૦ અને અન્‍યને ૧૯૬૧ મત મળવાની શકયતા જોતા આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને ૩૭૭૧ મતથી વિજય મળવાના ઉજળા સંજોગો જોવાઈ રહ્યા છે.

જો કે સરકાર કઈ સાંભળતી ન હોવાની વાતો કરતા કોંગ્રેસના ઉમેદવારે આ ચૂંટણીમાં કાકા ના કામ બોલે છે, સૂત્ર સાથે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ અહીં ચૂંટણી લડાઈમાં નેતાઓ અને કાર્યકરોના અભાવ વચ્‍ચે માત્ર લલિતભાઈ જ લડતા રહ્યા હોવાની વાત સામે આવી હતી. બીજી તરફ ટંકારા પડધરી મત વિસ્‍તારમાં ભાજપે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાને ચૂંટણીજંગમાં મેદાને ઉતારતા નવા ચહેરોને મતદારો જાણતા નથીની વાતો ચૂંટણી દરમિયાન ખુબ જ ગાજી હતી પરંતુ આ દલીલ પેટા ચૂંટણી વખતે બાવનજી મેતલિયા માટે પણ થઈ હોવા છતા લલિત કગથરા જે તે સમયે જીતી શકયા ન હતા ત્‍યારે આગામી તા.૮ ડિસેમ્‍બરે ચૂંટણી પરિણામો જાહેર થાય ત્‍યારે કેવા પરિણામ આવે છે તે જોવું રહ્યું.

(2:54 pm IST)