Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ખંભાળિયાના પત્નીની હત્યા કેસના આજીવન કેદના ફરાર આરોપીને જિલ્લા એલસીબી પોલીસે ઝડપ્યો

ગત ઓગસ્ટ માસમાં પેરોલ ફર્લોની મંજૂરી મેળવીને ગયા બાદ નિયત સમયગાળામાં પરત ફર્યો નહોતો

ખંભાળિયામાં વર્ષ 2018 માં એક મહિલાની હત્યા પ્રકરણમાં તેણીના પતિને કોર્ટે આરોપી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આ શખ્સે ગત ઓગસ્ટ માસમાં પેરોલ ફર્લોની મંજૂરી મેળવીને ગયા બાદ નિયત સમયગાળામાં પરત ન ફરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે તેને ખંભાળિયામાંથી દબોચી લીધો હતો.

ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા નરશી ભુવન પાછળના ભાગે રહેતા મહેબૂબ જુસબ ખીરા નામના શખ્સે વર્ષ 2018માં ઘરકંકાસમાં તેમની પત્ની અને હુસેનભાઈ દોસ્તમામદ (રહે. લાલપુર) ની પુત્રી અફસાનાબેનની હત્યા નીપજાવી હતી.

આ અંગેનો કેસ ચાલી જતા અદાલતે ઉપરોક્ત શખ્સને આજીવન કેદની સજા ફટકારી હતી. છેલ્લા આશરે એક વર્ષથી રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલા ઉપરોક્ત આરોપી મહેબૂબ ખીરાએ ગત તારીખ 22 ઓગસ્ટ 2022 ના રોજ 15 દિવસની ફર્લો રજા મેળવી અને ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું. તેના બદલે આ શખ્સ જેલમાં પરત ન જતા ફરાર થઈ ગયેલા ઉપરોક્ત શખ્સ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને અત્રે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

આ શખ્સનો કબજો ખંભાળિયા પોલીસને સોંપી, તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

(7:37 pm IST)