Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ધોરાજીમાં એક સાથે ૬૬ કેસ : જોડિયા પંથકમાં સંક્રમણ વધ્યુ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાવલમાં સ્વૈચ્છીક આંશિક લોકડાઉનઃ વિંછીયામાં ૨ દિ'માં ૨૦ કેસ : સતત કેસ વધતા સૌરાષ્ટ્ર -કચ્છમાં ચિંતા

રાજકોટ,તા. ૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં સતત વધારો થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ધોરાજીમાં એક સાથે ૬૬ કેસ આવ્યા હતા. જ્યારે જોડિયા પંથકમાં સંક્રમણ વધ્યું છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી :  ધોરાજીમાં કોરોનાનો કાળો કેર સર્જી દીધો છે તંત્ર તમાશો જોઈ રહ્યો છે અને પ્રજાને સાચી માહિતી આપવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

હાલમાં સરકારી હોસ્પિટલમાં ઓકિસજનની ખામીવાળા કોરોના પોઝિટિવ દર્દીઓ જેને ઈમરજન્સી વોર્ડમાં ૪૧ બેડમાં ફૂલ થઇ ગયા છે જયારે ધોરાજીના સ્ટેશન રોડ ઉપર ખાનગી હોસ્પિટલમાં તમામ બેડ ફુલ થઇ ગયા છે તાત્કાલિક અસરથી ધોરાજીના જુનાગઢ રોડ પર ખાનગી હોસ્પિટલ ને મંજૂરી આપવામાં આવી છે.

ધોરાજી જેતપુર ઉપલેટા જામકંડોરણા તાલુકા વચ્ચે કોવિડ સેન્ટર માત્ર ધોરાજીમાં જ છે ત્યારે ધોરાજી એ કોરોના નો વિસ્ફોટ સર્જી દીધો છે અને તંત્રએ માત્ર સરકારના ચોપડે સારી કામગીરી બતાવવા ખાતર કામગીરી કરી રહી છે વાસ્તવિક ધોરાજી શહેરમાં કામગીરી કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં કોરોના એ કાળો કેર સર્જી દીધો છે એક જ દિવસમાં ૬૬ કેસ પોઝિટિવ આવ્યા છે ઘેર ઘેર કોરોના પોઝિટિવ દર્દીઓ હોય તેવો માહોલ સર્જાઈ ગયો છે કોઈપણ પ્રકારની સરકારી સિસ્ટમ ચાલતી નથી માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે અને સેમ્પલ લેવાનો બંધ કરી દીધું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.

ધોરાજીમાં કોરોનાની પ્રથમ લહેર હતી ત્યારે પણ રાજકોટ જિલ્લામાં સૌથી વધારે કેસ ધોરાજીમાં જોવા મળ્યા હતા પરંતુ બીજી લહેર એનાથી પણ ભયાનક આવી છે રોજના સૌથી વધારે કેસ પોઝિટિવ જોવા મળી રહ્યા છે પરંતુ સરકારી તંત્ર પોતાની આબરૂ ન જાય તે માટે સેમ્પલ લેવાના બંધ કરી દીધા હોય તેવું પણ જાણવા મળ્યું છે.

રાવલ

(જીતેન્દ્ર કોટેચા દ્વારા) રાવલ : રાવલ શહેરમાં તાજેતરમાં કોરોના સંક્રમણ વધતાં હાલની સ્થિતીની ગંભીરતા ધ્યાને લઇ, રાવલ નગરપાલિકાએ મામલતદાર કલ્યાણપુરની અધ્યક્ષતામાં તાકિદની મીટીંગ બોલાવી હતી. જેમાં વેપારી આગેવાનો, રાવલ નગરપાલિકાના પ્રમુખ મનોજ જાદવ, ચીફ ઓફીસર પંડ્યા, પી.એસ.આઇ. ગોઢણીયા, વેપારી એસોસીએશનના પ્રમુખ ગોરધનભાઇ મોદી, અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તા. ૮-૪થી ૨૨-૪ સુધી દરરોજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવા સ્વૈચ્છિક નિર્ણયો લેવાયા હતા. મેડીકલ તથા દુધ જેવી આવશ્યક વસ્તુ ના ધંધાર્થીઓને આ નિર્ણય લાગુ પડશે નહી. તેવો નિર્ણય લેવાયો હતો. આ મીટીંગમાં પાન-મસાલાના કાળા બજાર પર નિયંત્રણ માટે જરૂરી પગલા લેવા મામલતદારશ્રીએ પોલીસ ખાતાને સુચના આપી હતી.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : વિંછીયા તથા પંથકમાં રવિવાર અને સોમવાર એમ ગત બે દિવસમાં ર૦ જેટલા કોરોના પોઝીટીવ કેસ મળી આવતા ફફડાટ વ્યાપી ગયો છે.

કોરોનાની બીજી લહેર ખતરનાક છે. તેવા સમયે અત્યાર સુધી તાલુકા મથક વિંછીયામાં જ કોરોના કેસ મળતા તાલુકાના ગામડાઓ કોરોના મુકત હતાં. પણ બે દિવસથી વિંછીયાને અડીને આવેલા રૂપાવટી, થોરીયાળી અને વાંગધ્રા ગામોમાં કોરોના ના પોઝીટીવ કેસો મળી આવતા લોકોમાં ચિંતા સાથે ભય અને ડરનો માહોલ સર્જાય ગયો છે. જો કે કોરોનાથી બચવુ હશે તો ગ્રામ્ય પ્રજાએ માસ્ક ન પહેરવાની માનસીકતા છોડીને હાથ વગા હથિયાર સમુ માસ્ક પહેરવુ જ પડશે. તેમ ચર્ચાય રહ્યું છે.

જોડીયા

(રમેશ ટાંક દ્વારા) જોડીયા : કોરોના સંક્રમણનાં બીજી લહરથી લોકો સંક્રમણ થઇ રહ્યા છે. જોડીયામાં ચિંતા પ્રસરી છે. કોવિડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ લોકો માસ્ક અને સામાજીક અંતર તુલી ગયા છે. જેના કારણે લોકો મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ થઇ રહ્યા છે. માત્ર પોલીસ માતાના દંડ લેવાથી કોરોના સંક્રમણ રોકી શકાય નહીં. તેના માટે ગામ પંચાયત અને સ્થાનીક તંત્રને ફરીથી આગળ ચાલીને જોડીયાને અડધો દિવસ બંધનું ચુસ્ત પાલન કરાવવુ પડશે. જોડીયાના વેપારીગણ સ્વૈચ્છીક સહકાર આપીને કોરોનાની લડાઇમાં સહભાગી થશે. તો જ અમુક અંશે કોરોના ને હરાવી શકે. તેમ છે. જોડીયા સહિત  ગામડામાં કોરોનાનો રાફળો ફાટયો છે. ખાસ કરીને જોડીયા ના એક પણ એવા વિસ્તાર નથી જયાં કોરોના સંક્રમણનું આક્રમણ જોવા મળે છે. લોકો જાગૃત થાય નહીં તો...?  ભગવાન પણ લોકોને કોરોનાથી બચાવી નહી શકે....?

(10:59 am IST)