Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

દેવભૂમી દ્વારકા જિલ્લામાં સરકારે ટેકાના ભાવની ૧૫૫૭૩,૨૧ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરી

ટેકાના ભાવની મગફળી ખરીદી અંગે વિક્રમભાઇ માડમે વિધાનસભામાં પ્રશ્નોતરી કરેલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૭ : દેવભૂમી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સંબંધમાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમે વિધાનસભામાં પ્રશ્ન કરેલ હતો જેના પ્રશ્નના ઉતરમાં દેવભૂમી દ્વારકા જિલ્લામાં કુલ ૧૫૫૭૩,૨૧ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી થયાનું જણાવેલ હતુ.

વિધાનસભામાં પ્રશ્નો પૂછી ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા જાણવા માંગેલ હતુ કે, તા.૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ ખરીફ ૨૦૨૦ની સીઝનમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખાતેદાર ખેડૂતદીઠ કેટલી મગફળી ખરીદવાનું નકકી થયેલ છે? આ સ્થિતિએ ઉકત સિઝનમાં દેવભૂમી દ્વારકા જિલ્લામાં તાલુકાવાર કેટલી મગફળી ખરીદવામાં આવી અને ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ ખેડૂતો પાસે મગફળીનો જથ્થો વધે તે ખરીદી માટે સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભારત સરકારમાં કે નાફેડમાં રાજય સરકાર દ્વારા કોઇ રજૂઆત કરવામાં આવી છે કે કેમ?

ધારાસભ્યશ્રીના પ્રશ્નોના જવાબમાં સરકારશ્રીમાં આવી બાબતો સંબંધોના હવાલો સંભાળતા કૃષિમંત્રીશ્રી દ્વારા વિધાનસભામાં જવાબમાં જણાવવામાં આવેલ છે કે પી.એમ.આશા અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (પીએસએસ) માટેની સુધારેલ માર્ગદર્શિકાની જોગવાઇ મુજબ પ્રતિદિન, પ્રતિ ખેડૂત દીઠ મહતમ ૨૫૦૦ કિગ્રા મગફળી ખરીદવાનું નકકી થયુ છે. તે મુજબ દેવભૂમી દ્વારકા જિલ્લામાં તાલુકાવાર મગફળી ખરીદવામાં આવેલ છે જેમાં કલ્યાણપુર ૭૧૭૭.૬૨ મેટ્રીકટન, ખંભાળીયા ૪૯૫૨.૭૧ મેટ્રીક ટન, દ્વારકા ૯૯.૬૩ મેટ્રીક ટન, ભાણવડ ૩૩૪૩.૨૬ મેટ્રીકટન મળીને કુલ ૧૫૫૭૩.૨૧ મેટ્રીકટન ખરીદીનો સમાવેશ થાય છે.

ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ ખેડૂતો પાસે મગફળીનો જથ્થો વધે તે માટે ઉકત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભારત સરકારમાં કે નાફેડમાં રાજય સરકારશ્રી દ્વારા કોઇ રજૂઆત કરેલ નથી તેમ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા પુછેલ પ્રશ્નોના જવાબમાં જણાવવામાં આવેલ હતુ.

(11:37 am IST)