Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના લોકડાઉનનાં કારણે ગરીબ-મધ્યમ પરિવારોને મોંઘવારીમાં આર્થિક સંકટઃ વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૭: પુર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે કુદકેને ભુસકે વધતી જતી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ દિવસે-દિવસે વધુને વધુ કફોડી થતી જાય છે તેથી મોંઘવારી ઉપર અંકુશ મેળવવા કેન્દ્રની મોદી સરકાર અને રાજયની રૂપાણી સરકારને પગલા ભરવા જણાવ્યું છે. કોરોના મહામારી (કોવિડ-૧૯)ને અનુલક્ષીને કેન્દ્રની મોદી સરકારે ગત વર્ષે દેશમાં ૭૦ દિવસનું લોકડાઉન અમલમાં મુકયું ત્યારબાદ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવો સતત વધતા રહ્યા કે જેણે ગરીબ અને મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખી છે.

વિરજીભાઇએ કેન્દ્ર સરકારના ગ્રાહકોની બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર રજુ કરવામાં આવેલ આંકડાઓને ટાંકીને વધુમાં જણાવ્યું છે કે, ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ-૨૦૨૧ માં ખાદ્યતેલોના ભાવોમાં ૪૭ ટકાનો કમ્મરતોડ વધારો થયો છે એવી જ રીતે દાળોના ભાવમાં પણ ૧૭ ટકા જેટલો વધારો થયો છે. ચા-પત્તીના ભાવમાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે અને ચોખ્ખાના ભાવો ૧૫ ટકા જેટલા વધ્યા છે. છેલ્લા એક વર્ષથી ખેડુતને ખેતઉત્પાદન ભાવ મળતા નથી. ઉદ્યોગકારો પાસે મોટા ફંડ લઈને ઉદ્યોગકારોને ખુશ કરવાની આ નીતીના કારણે ગ્રાહકોને ખાધ ચીજવસ્તુ મોંઘા ભાવે મળે છે. વચેટીયા મોટી કમાણી કરી રહ્યા છે તેના કારણે ખેડુતો અને સામાન્ય માણસ નાનો વેપારી અને ગરીબ માણસ મોંઘવારીનો ભોગ બન્યો છે તેની સીધી જ નૈતિક ફરજ ભાજપની રાજય સરકાર અને કેન્દ્ર સરકારની છે પરંતુ એ નૈતિક ફરજ ભુલીને તમામ વર્ગને સહન કરવું પડે છે તે બાબતે ખેદ વ્યકત કર્યો હતો.

શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોમાં કમ્મરતોડ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના બાંધી આવકવાળા લોકોને ઘર-સંસાર ચલાવવો મુશ્કેલ થઈ પડયો છે ત્યારે કેન્દ્રની મોદી સરકાર અને રાજયની રૂપાણી સરકાર મોંઘવારીને અંકુશમાં રાખવાનાં ઉપાયો કરે તે જરૂરી છે.

(12:41 pm IST)