Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આકરો ઉનાળોઃ મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં બપોરના સમયે પણ કર્ફયુ જેવો માહોલ : ગરમીથી બચવા ઘરની બહાર નીકળવાનું ટાળતા લોકો

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આકરા ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચો આવતા લોકો ગરમીથી પરેશાન થઇ રહ્યા છે.

કોરોનાના કારણે રાત્રી કર્ફયુ અમલમાં છે પરંતુ ધોમધખતા તાપથી બચવા લોકો ઘરની બહાર નીકળતા ન હોવાથી બપોરના સમયે પણ કર્ફયુ જેવો માહોલ છવાયો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આકરી ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. છેલ્લા ૨ દિવસથી રાજકોટનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીથી વધુ નોંધાઇ રહ્યું છે, રાજકોટનું મંગળવારનું મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે ન્યુનત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા જ્યારે સાંજે ૧૭ ટકા નોંધાયું હતું. અગનગોળા સમાન ગરમીમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહી મુજબ આગામી તારીખ ૧૦ અને ૧૧ એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને રાજકોટમાં હીટવેવની આગામી કરવામાં આવી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી, લઘુત્તમ ૨૩ ડિગ્રી, હવામાં ભેજ ૯૨ ટકા અને પવનની ઝડપ ૯.૬ કિમી પ્રતિ કલાક રહી હતી.

(12:51 pm IST)