Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

જસદણ - વિંછીયા પંથકમાં બોઘરા અને બાવળીયા વચ્ચે જામ્યો સેવાનો જંગ

લોકસેવાની આવી સ્પર્ધા ૩૬૫ દિવસ ચાલુ રહે તો લોકોનું કલ્યાણ થાય અને આ વિસ્તારને લાગેલુ પછાતપણુ દુર થાય...

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૭ : બે રાજકીય પક્ષો એના નેતાઓ, કાર્યકરો વચ્ચે હંમેશા ખેચતાણ, હુંસાતુંસી, હરીફાઇ રાજકીય લેવલે એકબીજાને ભરી પીવા ઉપરાંત રાજકીય રીતે પાડી દેવા સાવ હલકી કક્ષાનું રાજકારણ કરતા હોય છે પણ જ્યારે એક નેતા તેનો માતૃપક્ષ છોડી વિરોધ પક્ષની છાવણીમાં આવી જાય ત્યારે પણ પડદા પાછળની સ્પર્ધા એકબીજાને પાડી દેવાની ભાવના ચાલતી જ રહે છે અહીં વાત કરવી છે. માત્ર જસદણ તાલુકાના જ નહી પરંતુ રાજ્યના બે મોટા રાજકીય આગેવાન અને મોટા માથા ગણાતા કુંવરજીભાઇ બાવળીયા અને ડો. ભરત બોઘરાની આ બંને આગેવાનો ભાજપમાં હોવા છતાં પણ બંને આગેવાનો જસદણ - વિંછીયા પંથકમાં તેમનું રાજકીય કદ ટકાવવા અને વર્ચસ્વ કાયમ રાખવા આકાશ - પાતાળ એક કરે છે પરંતુ કોવિડની મહામારીએ બંને આગેવાનોને 'સેવા'ના જંગમાં જોતરી દેતા હાલ જસદણ - વિંછીયા પંથકની પ્રજાનું ભલુ થઇ રહ્યું છે ત્યારે આ પંથકની પ્રજા કહી રહી છે સેવાના જંગની આવી હરીફાઇ હંમેશા ચાલુ રાખજો.

સૌ જાણે છે કે કુંવરજીભાઇ બાવળીયા પરંપરાગત કોંગ્રેસી હતા. પંજાના નિશાન ઉપર સાંસદ અને ધારાસભ્ય બન્યા. આ સમય દરમિયાન ડો. ભરતભાઇ બોઘરા તેમના હનુમાન બની રહ્યા હતા તો ડો. ભરતભાઇ બોઘરા પણ કુંવરજીભાઇનો સાથ છોડી ભાજપમાંથી એક વખત ધારાસભ્ય બન્યા અને હાલ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ છે.

થોડા મહીના પહેલા કુંવરજીભાઇએ પણ ભગવો ધારણ કરી મંત્રી પદ મેળવી લીધું પરંતુ ડો. ભરતભાઇ બોઘરા અને કુંવરજીભાઇ બાવળીયા વચ્ચેનો આંતરીક ખટરાગ બંને હવે એક જ પક્ષમાં હોવા છતાં દુર ન થયો બંને એકબીજા સામે પાસા ફેંકતા રહ્યા અને બાજી જીતવા પ્રયત્નો કરતા રહ્યા.

હાલ દેશને કોવિડની મહામારીએ અજગરી ભરડામાં લઇ લીધું છે ત્યારે મોટા ગજાના રાજકીય આગેવાન અને એવાજ મોટા ગજાના ઉદ્યોગપતિ ડો. ભરતભાઇ બોઘરાએ જસદણ - વિંછીયા પંથ્કના લોકોનું ઋણ ઉતારવા અને સેવા કરવા માટે જસદણમાં યુધ્ધના ધોરણે ૧૦૦ બેડની (જેમાં ૫૦ ઓકિસજનવાળા અને ૫૦ સાદા) હોસ્પિટલ શરૂ કરી.

પોતે પણ મુળ ડોકટર છે અને તેમને સ્થાનિક ડો. કોટડીયા સહિતના ડોકટરો અને જીલ્લા આરોગ્ય તંત્રનો સહયોગ લઇ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કર્યો.

ડો. ભરત બોઘરાના આ યજ્ઞથી પ્રેરાઇ કુંવરજીભાઇ બાવળીયાએ પણ પોતાના ડો. પુત્ર મનિષ બાવળીયાનો સહયોગ લઇ વિંછીયા ખાતે ૬૦ બેડની (૩૦ બેડ ઓકિસજનવાળા અને ૩૦ બેડ સાદા) હોસ્પિટલ શરૂ કરી.

આ ઉપરાંત બે દિવસ પહેલા કુંવરજીભાઇ બાવળીયા દ્વારા જસદણની મોડલ સ્કુલમાં ૬૦ બેડની અને આગામી દિવસોમાં ૧૦૦ બેડ સુધી લઇ જવાની તૈયારી સાથે કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કર્યો. ઉપરાંત શિવરાજપુર ગામે પણ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરી ખરા અર્થમાં લોકોની સેવા કરવાના યજ્ઞનો પ્રારંભ કર્યો છે.

જસદણ અને શિવરાજપુરની કોવિડ હોસ્પિટલમાં તેમને સ્થાનિક ડોકટર રામાણી, કટેશીયા સહિતનો સહયોગ મળ્યો છે. જ્યારે કુંવરજીભાઇનો પુત્ર મનિષ બાવળીયા ત્રણેય હોસ્પિટલમાં સતત દોડાદોડી કરે છે. આ બધાના પ્રયાસોથી બંને આગેવાનો સંચાલીત કોવિડ હોસ્પિટલમાંથી અનેક દર્દી સાજા થઇ આશિર્વાદ આપે છે.

કુંવરજીભાઇ બાવળીયા અને ભરતભાઇ બોઘરા વચ્ચે રાજકીય સ્પર્ધા હતી ત્યાં સુધી આ પંથકના લોકો ચિંતીત હતા પણ હવે બંને વચ્ચે 'સેવાની સ્પર્ધા' જામી છે ત્યારે લોકો રાજી છે અને એકી અવાજે કહે છે આવી સ્પર્ધા ૩૬૫ દિવસ રહેવી જોઇએ તો જસદણ - વિંછીયા તાલુકાના લોકોનું ખુબ-ખુબ કલ્યાણ થશે અને ખરા અર્થમાં જસદણ - વિંછીયા પંથકને લાગેલા પછાતપણ દુર થશે.

જો કે બંને આગેવાનોએ જસદણ - વિંછીયા પંથકમાં અનેક વિકાસ કાર્યો કરી આ પંથકના લોકોની સુખાકારી માટે સારા પ્રયત્નો પણ કર્યા છે.(૨૧.૩)

જસદણ - વિંછીયા પંથકની કોવિડ હોસ્પિટલોમાં સંસ્થાઓ અને સેવાભાવીઓ દ્વારા સેવાનો ધોધ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૭ : કોરોનાની મહામારીમાં જસદણ - વિંછીયા વિસ્તારમાં ચાલતી કોવિડ હોસ્પિટલોમાં જુદી-જુદી સંસ્થાઓ અને વ્યકિતગત લોકો દ્વારા અનેક પ્રકારની સેવાઓનો ધોધ વહે છે.

જસદણ - વિંછીયા પંથકની કોવિડ હોસ્પિટલોમાં દર્દી નારાયણની સેવા કરવા તેમને યોગ્ય આહાર આપવા સવારથી જ સેવાભાવી સંસ્થાઓ અને જુદા-જુદા સેવાભાવી લોકો દ્વારા સવારથી જ લાઇનો લાગે છે.

દર્દી નારાયણ માટે લીલા નારીયેલ, મોસંબી જ્યુસ, જુદા-જુદા કઠોળનું ઓસામણ, પૌષ્ટીક આહાર આખો દિવસ ચાલુ જ રહે છે. દર્દી તો ઠીક પણ તેમની સાથે રહેલા સગા-વ્હાલા પણ ધરાય જાય છે અને હાથ જોડી કયારેક ના પાડે છે. આવા સેવાભાવી લોકોની પણ આવી સેવાની પ્રજા વાહ વાહ કરી રહી છે.

(10:07 am IST)