Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

આર્થિક નબળા દેશોની આરોગ્ય સજાગતા સામે ભારત ખૂબ જ પછાત

કોરોના મહામારી અંગે મણવરનું નિવેદન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૭ : જૂની પેઢીના સૌરાષ્ટ્રના લડાયક પીઢ આગેવાન અને પુર્વ મંત્રી પુર્વ સાંસદ બળવંતભાઇ મણવરે વર્તમાન કોરોના મહામારી અંગે એક નિવેદનમાં જણાવેલ છે કે આ રોગના વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં છે અને તેમા વિશ્વમાં જે મોત થાય છે તેમાં ૨૫% એકલા ભારતમાં થાય છે. આ રોગ દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે. ખાનગી કે સરકારી તમામ હોસ્પિટલોમાં કયાંય જગ્યા નથી દર્દીઓ ઓકસીજન દવા અને સારવારના અભાવે ટપોટપ મરી રહ્યા છે.

પરિવારના એકસાથે સંક્રમીત થવાને કારણે અને તેમાના બે ત્રણ સભ્યોના મોત થતા પરિવારો છીનભીન થઇ ગયા છે લોકો આર્થિક રીતે પણ કંગાળ થઇ ગયા છે માનસિક રીતે ભાંગી પડયા છે. આ રોગ માટે જરૂરી ઓકસીજન રેમડીસીવર ઇન્જેકશનના કાળા બજાર થઇ રહ્યા છે. નકલી દવાઓ બજારમાં વેચાઇ રહી છે આવી વરવી સ્થિતિમાં સરકારે ખાસ કરી ગરીબ દર્દીઓને મરવા માટે રસ્તા ઉપર મૂકી દીધા છે.

હોસ્પિટલોની સાથે સાથે સ્મશાન અને કબ્રસ્તાનોમાં પણ વેઇટીંગ છે અગ્નિ સંસ્કાર માટે લાકડા બળતણ ખૂટી પડયા છે પોતાના સરકારી આંકડામાં પણ મોટો તફાવત છે સરકાર આંકડા છુપાવી રહી છે માનવતા મરી પરવારી છે ખાનગી હોસ્પિટલો વાળા દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે બાકી હતુ તે દર્દીઓ માટે જરૂરી મોસંબી ૩૦ની કિલો મળતી હતી તેના ૨૫૦ અને ત્રોફા ૩૦ થી ૩ના સીધા રૂપિયા સો આમ સૌ કોઇ ગેરલાભ લઇ રહ્યા છે. આવી ગંભીર કટોકટીના સમયમાં સરકારના પેટનું પાણીએ હલતુ નથી. સરકારમાં બેઠેલા વડાપ્રધાનથી લઇ કેન્દ્રીય મંત્રીઓ રાજયના મુખ્યમંત્રીઓ પ્રધાનો અને પદાધિકારીઓ ચુંટણી સભાઓ રેલી મેળાવડા લોકાર્પણ અને ઉદઘાટનોમાં વ્યસ્ત છે. વિદેશમાંથી દવા ઓકસીજન વગેરેની સહાયનો ધોધ છૂટયો છે પણ તેને દર્દી સુધી પહોચાડવાની વ્યવસ્થા નથી.

અંતમાં તેમણે જણાવેલ છે કે આપણાથી આર્થિક રીતે ખૂબ જ પછાત અને નબળા પાડોશના બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા સહિતના દેશોએ કોરોના મહામારી ઉપર કાબૂ મેળવી લીધો છે તેના સામે તમામ બાબતો સક્ષમ ભારત લોકોના આરોગ્ય બાબતે ખુબ જ પછાત છે જેનુ દેશ અને વિશ્વના મિડીયાઓએ પણ ફ્રન્ટ પેઇજ ઉપર કે હેડલાઇનથી લઇ ટીકા કરી છે જે શરમજનક કહેવાય.

(10:10 am IST)