Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો આતંક ૨૪ કલાકમાં ૪૪૫ કેસ : ૮ના મોત

૨૭૯ દર્દીએ સ્વસ્થતા પ્રાપ્ત કરી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૭ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ આતંક મચાવવાનું ચાલુ રાખતા ૨૪ કલાકમાં ૪૪૫ કેસ નોંધાયા છે, ૮ના મોત નિપજ્યા હતા.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે અને સંક્રમણ વધવાને લીધે ફરી સિવિલ અને ખાનગી હોસ્પિટલો ફુલ થવા માંડી છે. જિલ્લામાં બુધવારે નવા ૩૮૨ કેસ નોંધાયા બાદ ગુરૂવારે વધુ ૪૪૫ કેસની એન્ટ્રી થતાં લોકોમાં ગભરાટ ફેલાય ગયો છે.

નવા ૪૪૫ કેસમાં જૂનાગઢ સીટીમાં ૨૩૨ કેસ, જૂનાગઢ ગ્રામ્ય-૨૦, કેશોદ-૩૩, ભેંસાણ-૧૬, માળીયા-૩૭, માણાવદર-૨૬, મેંદરડા-૧૪, માંગરોળ-૨૪, વંથલી-૨૧ અને વિસાવદર વિસ્તારમાં નવા ૨૨ કેસ નોંધાયા હોવાનું તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન ૮ કોવીડ દર્દીએ અલવિદા કરી હતી. જેમાં જૂનાગઢ સીટીના ત્રણ, કેશોદ-માણાવદરના બે-બે અને ભેંસાણના એક કોરોના પેશન્ટના મોત થયેલ છે.

૨૪ કલાકમાં જૂનાગઢ સીટીના ૧૨૦ સહિત જિલ્લામાં ૨૭૯ દર્દીઓએ સ્વસ્થતા પ્રાપ્ત કરી હતી.

છેલ્લા બે દિવસમાં જૂનાગઢ જિલ્લામાં નવા ૭૨૭ કેસ આવ્યા છે. જેમાંથી જૂનાગઢ મહાનગરના ૪૨૧ કેસ આવતા શહેરમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધ્યું હોવાનું જણાયું છે.

આ બે દિવસમાં ૧૭ કોવીડ દર્દીએ અંતિમશ્વાસ લેતા ગમગીની વ્યાપી ગઇ છે.

(11:10 am IST)