Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સોમનાથ પંથકમાં શિવમ્ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તાબડતોબ જનહિતાર્થે ૧૦૦ બેડની કોવિડ હોસ્પીટલનો કાલથી પ્રારંભ

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા. ૭ :. 'દુસરો કા દુઃખડા દૂર કરનેવાલે તેને દુઃખ દૂર કરેંગે રામ...' આમ દર્દી નારાયણ દેવો જીવનમાં માનતા સોમનાથ પંથકના લોકસેવક જગમાલભાઈ વાળા તેની ઈન્ટરનેશનલ સ્કૂલમાં આ કોરોના મહામારીને નાથવા અને પીડાતા દર્દીઓને ઉપયોગી થવા એક હોસ્પીટલ તેની સ્કૂલમાં લગભગ તારીખ ૮ મે શરૂ કરી રહ્યા છે.

વિગત એમ છે કે વેરાવળ તાલુકાના ડારી ગામ નજદીક વાયરલેસ સ્ટેશન પાછળ શિશુ મંદિર ઈન્ટર નેશનલ સ્કૂલ આવેલી છે. ૨૦ એકરની આ સ્કૂલને શિવમ્ ફાઉન્ડેશન અને સામાજીક કાર્યકર તથા સ્કૂલ મેનેજીંગ ટ્રસ્ટી જગમાલભાઈ વાળાએ પ્રજાની સેવામાં વોટ્સએપથી તાબડતોબ મેડીકલ સ્ટાફ ભરતી કરી શિવમ્ કોવિડ હોસ્પીટલ બનાવેલ છે. જે ૧૦૦ બેડની છે. જેમાં ૫૦ બેડ ઓકસીજનવાળા અને ૫૦ બેડ આઈસોલેશન સુવિધા સાથેની હશે. આ હોસ્પીટલમાં રહેવા-જમવા, દવા, લેબોરેટરી, એમ.બી.બી.એસ. મેડીકલ ઓફિસર દર્દી તપાસણી સુવિધા ઉપલબ્ધ રહેશે તથા દર્દીઓના સગા-વ્હાલાઓને રહેવા-જમવાની સુવિધા મળી રહેશે.

પ્રાથમિક માહિતી અનુસાર બેડ અને ઓકસીજન સેવા નિઃશુલ્ક રહેશે જ્યારે દવા વ્યાજબી કે રાહત દરે રહેશે.

પ્રજાને કઈ રીતે સારી રીતે ઉપયોગી થઈ શકે તેની વિગતો ઘડાઈ પૂર્ણતાને આરે છે. જે સંભવત્ તા. ૮ મે કાર્યરત થતા વિશેષ વિગતો જાહેર કરાશે.

(11:41 am IST)