Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

'મારૃં ગામ કોરોનામુકત ગામ' અભિયાનને ખરા અર્થમાં ચરિતાર્થ કરતું નાના આંકડિયા

અમરેલીથી ફકત ૮ કિમીના અંતરે હોવાથી દરેક કુટુંબના લોકોની કામ-ધંધાર્થે અમરેલી અવર જવર છતાં સંક્રમણ નહિવત : અત્યાર સુધી ગામમાં માત્ર ૨૦ લોકો જ પોઝિટિવ આવ્યા : જેમાંથી એકપણ વ્યકિતને સારવારની જરૂર પડી નથી : બધા હોમ આઇસોલેશનમાં રહીને સાજા થયા છે : ૪૫ થી ઉપરના ૮૫ % લોકોએ વેકસીન લઇ લીધી : છેલ્લા ત્રણ માસમાં ફકત બે વૃધ્ધોના અન્ય ગંભીર બીમારીના કારણે દુઃખદ અવસાન થયા છે : ગામમાં સુવિધાયુકત ૧૦ બેડનું કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર કાર્યરત

અમરેલી : અમરેલીથી ફકત ૮ કિમીના અંતરે આવેલું ૩૧૦૪ની વસ્તી ધરાવતું નાના આંકડિયા પોતાના ગ્રામજનોની સવયંશિસ્ત અને આગવી સૂઝબૂઝથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના 'મારૃં ગામ કોરોનામુકત ગામ'ના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. અમરેલી શહેર નજીક હોવાથી ગામના દરેક કુટુંબના લોકો પોતાના કામ-ધંધાર્થે અમરેલી અવર જવર કરતા હોવા છતાં કોરોનાનું સંક્રમણ બિલકુલ નહિવત છે જે ખરેખર પ્રશંશનીય છે.

ગ્રામજનોની સ્વયંશિસ્ત અને સમજણને બિરદાવતા પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ જણાવે છે કે ગામમાં એકદમ ઓછું સંક્રમણ હોવાનો મોટાભાગનો શ્રેય માત્રને માત્ર વેકસનેશનને જાય છે. ગામના ૪૫ થી ઉંમરના ૭૯૫ લોકો પૈકી ૬૬૬ જેટલા એટલે કે ૮૫% લોકોનું વેકસીનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ માસમાં ગામમાં ફકત બે જ વૃદ્ઘોના અન્ય ગંભીર બીમારીના કારણે દુઃખદ અવસાન થયા છે તેમજ અત્યાર સુધી ગામમાં માત્ર ૨૦ લોકો જ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલા બધા દર્દી હોમ આઇસોલેશનમાં રહીને સાજા થયા છે અને એકપણ વ્યકિતને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી નથી.

ગામની આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વાત કરતા પ્રાંત અધિકારીશ્રીએ ઉમેર્યું હતું કે ગામના સેવાભાવી લોકો દ્વારા ગામની હાઈસ્કૂલ ખાતે ૧૦ બેડનું તમામ સુવિધાઓથી સંપન્ન કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જે લોકોને ઘરે આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા આ સુવિધાનો વિનામૂલ્યે લાભ લઇ શકે છે. રહેવાથી માંડીને બંને ટાઈમ સ્વાદિષ્ટ ભોજન સુધીની તમામ તમામ સગવડો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર અમરેલીના સ્મશાનગૃહોમાં જગ્યા ન હોવાથી મૃતદેહોની અંતિમક્રિયા માટે નાના આંકડિયાના સ્મશાન ગૃહ ખાતે મોકલવામાં આવે છે. જેના માટે ગામના ૧૫ થી ૨૦ લોકોની ટીમ લાકડાઓ એકઠા કરીને નિઃશુલ્ક સેવા આપે છે.

આરોગ્યકર્મીઓની કામગીરીની પ્રશંસા કરતા નાના આંકડિયાના સરપંચ શ્રી દામજીભાઇ જાવિયાએ કહ્યું હતું કે ગ્રામજનોની સાથે સાથે આરોગ્યકર્મીઓએ દિવસ રાત ખડેપગે રહીને ઘરે ઘરે જઈ સર્વેની કામગીરી કરે છે તેમજ ઓકિસજન લેવલ, પલ્સ માપી જો જરૂર જણાય તો દવાઓ આપે છે. સ્મશાનગૃહ ની વ્યવસ્થા અંગે સરપંચશ્રીએ ઉમેર્યું હતું કે ગામના આગેવાનો દ્વારા લાકડાની, લાઈટની અને લાકડાઓ કાપવા માટે કટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાના આંકડિયાને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા તલાટી મંત્રી શ્રી કપિલ મકવાણા, આરોગ્યકર્મી શ્રી જય ઉદેશી, દીનાબેન સરપદડિયા, અંજનાબેન મહેતા તેમજ ગામના સર્વે આગેવાનો શ્રી રમેશભાઈ જાવિયા, મેરામભાઇ વાળા, દર્શિત કાથરોટીયાનો સિંહફાળો રહ્યો છે.

 : આલેખન :

સુમિત ગોહિલ, જિલ્લા માહિતી કચેરી, અમરેલી

 : ફોટો-વિડીયોગ્રાફી : મધુસુદન ધડુક

(12:59 pm IST)