Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોરબીમાં ધરણા યોજી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર જિલ્લા ભાજપ પ્રમુખ સામે પગલાં ભરવા એસપીને ફરિયાદ

પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજ્યગુરુ દ્વારા ફોટો સહિતના પુરાવા સાથે ફરિયાદ કરાતા ચકચાર

મોરબી : પશ્ચિમ બંગાળમાં થયેલ હિંસાના વિરોધમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા કલમ 144નું જાહેરનામું લાગુ હોવા છતાં અને કોવીડ ગાઇડલાઇન અને કેન્દ્ર રાજ્ય સરકારના મિનિલોકડાઉનના નિયંત્રણ અમલી હોવા છતાં જાહેરમાં ધરણા કાર્યક્રમ યોજતા મોરબીના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સામે પોલીસને ફરિયાદી બની પગલાં ભરવા આધાર પુરાવા સાથે રાવ કરી છે.
જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરતા મહેશભાઈ રાજ્યગુરૂએ જણાવ્યું છે કે મોરબી જિલ્લા ભાજ૫ દ્વારા નવા બસ સ્ટેશન પાસે કોરોના મહામારીના સમયે ધરણાંનો કાર્યક્રમ કરી ગુજરાત સરકારની કોવીડની ગાઈડલાઈન અને સરકારના હાલના સમયે જાહેર થયેલ નિયમો જેવા કે રાજકીય મેળાવડા કે કોય રાજકીય કાર્યક્રમ ન કરવાનો પ્રતિબંધના લીરેલીરા ઉડાવતા હોય તેવો કાર્યક્રમ કરી કાયદા અને નિયમોનો ભંગ કરેલ હોય, કાયદાની ઉપર વટ થઈ આ લોકો શુ સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી આવા સમયે આવા કાર્યક્રમ કરવામાં આવેલ છે.તો આ કાર્યક્રમને મંજૂરી કોને આપી જો મંજૂરી ના આપી હોય તો આવા લોકો સામે ગુજરાત સરકારના નિયમોના ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ તેવું મોરબીની પ્રજા ઇચ્છે છે. કારણ કે કોરોના મહામારીમાં ચાર વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધ છે અને રાજકીય કાર્યક્રમ ઉપર સરકારે પ્રતિબંધ મુકેલ છે.ત્યારે ભાજપ પક્ષ દ્વારા કાયદાનો ભંગ કરેલ હોય કાયદેસર ના પગલાં લેવામાં આવે.
વધુમાં, મોરબી જિલ્લા ભાજપ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરેલ છે, ત્યારે વર્તમાન સમયે ગુજરાત સરકારે તમામ જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુકેલ છે તો આ લોકોને કાર્યક્રમ કરવાની કોને મંજૂરી આપી જો મંજૂરી ના આપી હોય તો ભાજપના આગેવાનો વિરુદ્ધ પોલીસ અધિકારીએ આગળ આવી ફરિયાદ કરવા પણ માંગ ઉઠાવવામાં આવી છે.હાલના સમયે મોરબી શહેરમાં સરકારના આદેશ મુજબ તમામ પ્રતિબંધ અમલી છે. ત્યારે આવા કાર્યક્રમ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે અને જો પોલીસ પગલાં નહીં ભરે તો કોર્ટમાં જવા ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

(10:43 pm IST)