Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભંગારના ડેલામાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત :ચાર દાજ્યા

પીપળી નજીક ભંગારના ડેલામાં ટ્રક કાપતી વખતે ડીઝલ ટેન્કમાં આગ લાગતા ભયાનક વિસ્ફોટ : ચાર દાઝ્યા

મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામના બસ સ્ટેન્ડ સામે આવેલ ભંગારના ડેલામાં ટ્રક કાપતી વખતે ડીઝલ ટેન્કમાં આગ લાગ્યા બાદ ભયાનક વિસ્ફોટ થતા પિતાને બોલાવવા ગયેલા યુવાનને કાળ આંબી ગયો હતો અને આગની આ ઘટનામાં યુવાન ગંભીર રીતે દાઝી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ભંગારના ડેલાના માલિક પિતાપુત્ર સહીત ચાર વ્યક્તિ દાઝી ગયા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામના બસસ્ટેન્ડ સામે આવેલા ભંગારના ડેલામાં કામ કરતા વિક્રમભાઈ વાઘેલાને ગત તા.28ના રોજ તેમનો પુત્ર રણછોડ ઉર્ફે રાજુ સવારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે કામ સબબ બોલાવવા ગયો હતો.જ્યાં વિક્રમભાઈ વાઘેલા ગેસ કટરથી ટ્રકને કાપી રહ્યા હોય અચાનક જ ડીઝલ ટેન્કમાં આગ ભભુકતા વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી.
આગની આ ઘટનામાં પિતાજીને બોલાવવા ગયેલ રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલા, ( ઉ,વ,.18 ) ( રહે-હાલ પીપળી ગામ ગજાનંદ પાર્ક સોસાયટી,મુળ રહે-કડશ તા-જી-પોરબંદર વાળો) ગંભીર રીતે દાઝી જતા પ્રથમ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
  અત્રે ઉલ્લેખનીય છે કે આગના આ બનાવમાં ભંગારના ડેલાના માલિક ઇનુશભાઇ, મૃતક રણછોડ ઉર્ફે રાજુના પિતા વિક્રમભાઈ તેમજ ઇનુશભાઈનો પુત્ર પણ આગની ચપેટમાં આવી જતા તમામને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.હાલમાં મોરબી તાલુકા પોલીસે આગમાં દાઝી જઈ મૃત્યુ પામનાર રણછોડ ઉર્ફે રાજુના મોટાભાઈ ભરતભાઈ વિક્રમભાઈ વાઘેલાની જાહેરાતને આધારે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

(1:15 am IST)