Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભુજમાં પૂર્વ સાંસદ પુષ્‍પદાન ગઢવીના ઘરમાં ચોરીનો પ્રયાસઃ જાણીતા બિલ્‍ડરના ઘેરથી નોકરાણીએ ૨૭ લાખનો હાથફેરો કરતાં ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૭: કચ્‍છના વરિષ્ઠ રાજકીય આગેવાન અને પૂર્વ સાંસદ પુષ્‍પદાન ગઢવીના ઘેર તસ્‍કરોએ ચોરી કરવાનો પ્રયાસ કરતાં જિલ્લા મથક ભુજમાં ચકચાર મચી ગઈ છે. ભુજના અતિ પોશ ગણાતા રેવન્‍યુ અને હિંમતનગર કોલોનીમાં રહેતા પુષ્‍પદાનભાઈના ઘેર મોડી રાત્રે બારીની ગ્રીલ તોડી અંદર ઘુસી આવેલ અજાણ્‍યા તસ્‍કરોએ કબાટ ફેંદી નાખ્‍યા હતા. સવારે તેમણે સામાન વેર વિખેર જોતા પુત્ર વિજયને જાણ કરી હતી. જોકે, કોઈ ચીજ વસ્‍તુ ચોરાઈ નહોતી. પણ પુત્ર વિજયભાઈએ પોલીસમાં ચોરી અંગે પ્રયાસની ફરિયાદ લખાવી હતી.ᅠ

બીજા બનાવમાં જાણીતા બિલ્‍ડર કતીરા પરિવારને ત્‍યાં કામ કરતી કામવાળીએ ૨૭ લાખ રૂ.નો હાથફેરો કર્યો હતો. રાજ હરીશભાઈ કતીરાએ ગત ૨૨ થી ૨૯ એપ્રિલ દરમ્‍યાન બનેલ આ બનાવ અંગે કામવાળી આશાબેન મકવાણા ઉપર ગયેલ શંકા બાદ પૂછપરછ કરતાં તેણી પાસેથી મોટી રોકડ રકમ મળી આવી હતી. પૂછપરછમાં તેણીએ ચોરી કબુલતા પોલીસને જાણ કરી કુલ ૨૩ લાખની રોકડ અને ૪ લાખના દાગીના પરત વસૂલવા પોલીસે કામગીરી શરૂ કરી છે.

(10:19 am IST)