Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

...ને કથા મંડપમાં યજમાન હકુભા જાડેજા સપરિવાર રાસ-ગરબા રમ્‍યા !

ગુજરાતીઓને કોઇપણ ધાર્મિક, સામાજિક કે સાંસ્‍કૃતિક પ્રસંગે પોતાના રાજ્‍યના પ્રતીકરૂપે ‘ગરબા' યાદ આવ્‍યા વિના ના રહે, કે ગુજરાતણોને રાસ-ગરબા રમ્‍યા વગર ચેન ના પડે !

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ : શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જેવા મોટા ધાર્મિક કાર્યક્રમમાં પણ યજમાન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા પરિવારના સભ્‍યોને શ્રી ભાગવતજી સમક્ષ રાસ-ગરબા રમવાની તીવ્ર ઉત્‍કંઠા હતી.ᅠ ગતરાત્રીએ પૂર્વ નિયોજિત ડાંડિયારાસના કાર્યક્રમમાં હકડેઠઠ મંડપમાં પગ મૂકવાની પણ જગ્‍યા ના રહી, તેવા સંજોગોમાં ફરી તે શક્‍ય બન્‍યું નહીં.ᅠ

યજમાન પરિવારના મસ્‍તીભરી ભક્‍તિવાળા આ અરમાનને પરિપૂર્ણ કરવા પૂ. ભાઈશ્રીએ આજે શ્રીકૃષ્‍ણના ગોકુળમાં પ્રાગટ્‍ય સમયની કથાને પસંદ કરી ‘ગોકુળમાં આજ દિવાળી....' ગાન કર્યું કે, તુરંત જાડેજા પરિવારના યુવકો -યુવતીઓ, મહિલાઓ, વડીલો સૌ કોઈએ કથા મંડપમાં મધ્‍યાહને રાસ-ગરબાની મનભરી મોજ માણી હતી.ᅠ પરિવારના મહિલા વૃંદે એકસરખા રંગની સાડીઓમાં સજ્જ થઈ જયારે યુવાવર્ગે પણ એકજ રંગના સમાન વષાો પહેરીને ભક્‍તિભાવમાં લીન બની રાસોત્‍સવ માણ્‍યો હતો. જેમાં યજમાન વડીલ ધારાસભ્‍ય હકુભા જાડેજા પણ ઉત્‍સાહભેર જોડાયા હતા અને પરિવાર સાથે રાસની રંગત માણીને કથામંડપમાં થનગનાટ ઊભો કર્યો હતો.

મંડપમાં વ્‍યાસપીઠ સમક્ષ જયારે આ ઉત્‍સવ ચાલતો હતો, ત્‍યારે ડોમ કે તેની પગથારીમાં જયાં જગ્‍યા મળી ત્‍યાં ઠેકઠેકાણે અન્‍ય શ્રોતા બહેનો પણ ગ્રુપમાં ગરબા રમતાં દ્રશ્‍યમાન થતાં હતાં. જે ભાવિક ભાઈ-બહેનો પોતાની સાથે કિરતાર લાવ્‍યા હતાં, તેઓએ સ્‍થળ ઉપર જ મોજમાં આવી તેનું વાદન - નર્તન કર્યું હતું. જેના કારણે કથામંડપ વધુ દિવ્‍યરૂપે ઉભરી આવ્‍યો હતો. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 pm IST)