Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

પોરબંદરઃ કોળી સમાજ સમૂહ લગ્નમાં ૧૮ નવદંપતીઓ દ્વારા ભ્રૂણ હત્‍યા નહીં કરવા તથા વ્‍યસન મુકિતના સંકલ્‍પ

પોરબંદર, તા.૭: માધવપુર ગામે કોળી સમાજના ૪૧માં સમૂહ લગ્ન યોજાતા ૧૮ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી ભ્રુણ હત્‍યાથી દૂર રહેવા, વ્‍યસન મુકિત અને વૃક્ષ ઉછેરવાના સંકલ્‍પ લીધા હતા.

કોળી સમાજમાં કુરિવાજોને તિલાંજલિ આપવા અને વ્‍યસન નાબૂદી કરવા અને આર્થિક રીતે પછાત કુટુંબોને મદદરૂપ થવાના ઉમદા હેતુસર માધવપુર (ઘેડ) કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ અને કોળી સેવા સમાજ દ્વારા તાજેતરમાં માધવપુર (ઘેડ)ના મધુવન ખાતે આવેલ બ્રહ્મસમાજના અગ્રણી જગદીશભાઇ હેમતભાઇ પુરોહિતના વિશાળ નાળિયેરીના બગીચામાં કુદરતી નાળિયેરીના મંડપારોપણ વચ્‍ચે ૪૧મો સમૂહ લગ્નોત્‍સવ અનેરા ઉત્‍સાહ સાથે સંપન્‍ન ગયો હતો. જેમાં ૧૮ યુગલોએ જોડાઇને ભ્રૂણહત્‍યા થી દૂર રહેવા, વ્‍યસન મુકિત રહેવા તેમજ એક-એક વૃક્ષ ઉછેરવાના સંકલ્‍પ લીધા હતા.

માધવપુર (ઘેડ) કોળી સેવા સમાજના પ્રમુખશ્રી રમેશભાઇ કરગટીયાએ દેશ, રાજય અને પોરબંદર જિલ્લામાં બહોળી સંખ્‍યામાં કોળી સમાજ વસવાટ કરી રહી છે આ સમાજમાં કુરિવાજો અને વ્‍યસનો ત્‍યજી કેન્‍દ્રા કેળવણીને અગ્રતા આપવાનો ઉલ્લેખ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.જુનાગઢના કોળી સમાજના અગ્રણી કરશનભાઇ છગનભાઇ ડાભીએ કોળી સમાજના સામાજિક શૈક્ષણિક ઉત્‍થાન માટે આજની યુવા પેઢી જાગૃત બને તે આવશ્‍યક છે. ડો.વિ.આર.ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર અને સમાજરત્‍ન ડો.ઇશ્‍વરભાઇ ભરડાએ કોળી સમાજની વર્ષોથી ચાલી આવતી આ રીતને શ્રેષ્‍ઠ ગણાવી હતી અને કહ્યું હતુ કે સમૂહલગ્ન માત્ર પરિવાર નહીં સમાજના વડીલોના આર્શીવાદ મેળવી નવદંપતીઓ નવ જીવનનો પ્રારંભ કરે છે ત્‍યારે પુત્રવધુને દિકરી સમાન ગણીને સન્‍માન આપે તો સમાજમાં હાલમાં કૌટુંબિક પ્રશ્‍નો જોવા મળે છે તે આપોઆપ નિવારી શકાય છે.

માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ ભનુભાઇ ભૂવા તથા સમાજ શ્રેષ્‍ઠીશ્રી વિકાશભાઇ કરગટીયા, મૂળ માધવપુરના સરપંચ દેવાભાઇ ડાભીએ સમાજના ઉત્‍થાનમાં સહભાગી બનવાનો અનુરોધ કરી નવદંપતીઓને શુભેચ્‍છાએ પાઠવી હતી. સમાજની વંડીમાં આર્થિક સહયોગ આપનાર સરપંચશ્રી ભનુભાઇ ભૂવા, સમૂહ લગ્નમાં સહયોગ આપનાર ડો.અમિતભાઇ લક્ષ્મણભાઇ બામણીયા અને બ્રહ્મસમાજના અગ્રણી શ્રી જગદીશભાઇ પુરોહિતનું મહાનુભાવોના હસ્‍તે શાલ ઓઢાડી બહુમાન કરાયુ હતું.

(1:21 pm IST)