Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ધાર્મિક આયોજનો માનવીના માનસિક ઉકળાટને શાતા આપવાનું કાર્ય કરે છે : છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ પહોંચે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

જામનગર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં ઉપસ્થિત રહેતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : પ્રત્યેક જીવને શિવ સમજીને રાજ્યના નાગરિકોને પાયાની સુવિધાઓ પુરી પાડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી

style="width:361.091px;margin:16px 0px">
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં રત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કથાના માધ્યમથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
જામનગર ખાતે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત કથા પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી આરતિ સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત ભક્તજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ કઈ રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર પ્રજાની સાથે રહી નાનામાં નાની મુશ્કેલીમાં પણ હરહંમેશ મદદરૂપ થવા તૈયાર છે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરના આંગણે ભાગવત સપ્તાહના સુંદર આયોજન બદલ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. 
મુખ્યમંત્રીશ્રીએ વ્યાસપીઠ પર બિરાજેલ પૂજ્ય શ્રી રમેશભાઇ ઓઝા પાસેથી આશીર્વચન ગ્રહણ કર્યા હતા તેમજ સ્થાનિક આગેવાનો તથા આયોજકોએ મુખ્યમંત્રીનુ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિન્હ એનાયત કરીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી વલ્લભ બાવા, શ્રી શેરનાથ બાપુ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે  પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન જૂનાગઢ ગૌરક્ષા આશ્રમના મહંત પૂજ્ય શેરનાથજી બાપુ, જામનગર મોટી હવેલીના વલ્લભ બાવાશ્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી પ્રદીપભાઈ પરમાર, પૂર્વ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા, પૂર્વ સાંસદ શ્રી વલ્લભભાઈ કથિરીયા, ધારાસભ્ય શ્રી આર.સી. ફળદુ, શ્રી શૈલેષભાઈ પરમાર, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં સંતો મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત સૌ ભાવિકોએ કથાનું શ્રવણ કરી સંતોના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.
 
(3:14 pm IST)