Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વીરપુર પંથકમાં હાઇવે પર છ થી સાત કિલોમીટરના અંતરે ૧૦ થી ૧ર જેટલા ગેરકાયદેસર પંપો

યાત્રાધામ વિરપુર પંથકમાં બાયોડિઝલના પંપના નામે કોઇપણ પ્રકારની સરકારી મંજુરી વગરના ભેળસેળ યુકત પ્રવાહીના પંપ મધપુડાની જેમ ઉપસી પડ્યા : બાયોડિઝલના નામે ચાલતા ભેળસેળયુકત પ્રવાહીઓના પંપ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો જાગૃત પર્યાવરણ પ્રેમીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર, તા. ૭ : યાત્રાધામ વીરપુરથી જેતપુર અને ગોંડલ હાઈવે પર બાયોડિઝલના નામે ભેળસેળયુકત પ્રવાહી વેચવાના પંપનો જાણે રાફડો ફાટ્યો છે. અને તે પણ કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર! આવા પ્રવાહીના ઉપયોગથી  વાતાવરણમાં એટલું પ્રદુષણ ફેલાય છે કે જે પર્યાવરણમાં ખૂબ જ નુકસાનકારક છે તેમજ વાહનોનું આયુષ્ય પણ ઘટી જાય છે તો માણસના શરીરમાં પણ કેન્સર જેવા ભયંકર રોગ થાય છે.

યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામબાપાના મંદિરે દર્શને દરરોજ લાખો યાત્રાળુઓ આવતા હોય છે,ત્યારે યાત્રાધામ વીરપુર થી જેતપુર તેમજ ગોંડલ હાઈવે પર ઠેકઠેકાણે મધપૂડાની જેમ ઉપસી આવેલા બાયોડિઝલના નામે ભેળસેળયુકત પ્રવાહી વેચાણના પંપ બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળવાથી યાત્રાળુઓના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે. કેમ કે, ભેળસેળ યુકત પ્રવાહીનો વાહનમાં ઈંધણ તરીકે ઉપયોગથી વાતાવરણમાં વાહનોના ધુમાડા દ્વારા માનવ જીવનમાં કેન્સર જેવી અનેક ગંભીર બીમારીઓ થવાની શકયતા રહેલ છે.તેમાંય વિરપુર હાઇવે પર કાગવડના પાટિયા પાસે તેમજ વીરપુર ગોંડલ હાઈવે પર તો બસો મીટરના અંતરે ચાર થી પાંચ પંપ ગેરકાયદેસર રીતે ઊભા કરીને વેચાણ ચાલુ છે. ઘણા સમય પૂર્વે પ્રાંત અધિકારી દ્વારા આ તમામ ગેરકાયદેસર પંપ સામે તપાસ હાથ ધરી હતી જેમાં આ વિક્રેતાઓ દ્વારા બાયોડિઝલ વેંચાણ માટેનું એનઓસી, સરકારી રજીસ્ટ્રેશન, એક્ષપ્લોઝીવનું લાયસન્સ, ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટનું રિટેઇલ આઉટલેટનું સર્ટિફિકેટ, નેશનલ હાઈવે ઓથોરિટીના લાયસન્સ, જીએસટી નંબર વગેરે કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર પંપ ઉભા કરી દીધાનું ખુલતા પ્રાંત અધિકારી દ્વારા સાતથી આઠ પંપને સીલ કરી તેમનો પુરવઠો સીઝ કરી દેવામાં આવ્યો હતો અને અમુક પંપ સિલ કર્યા હતા. પરંતુ આ વિક્રેતાઓએ સીલ કરેલા પંપની જગ્યાએ બાજુમાં જ બીજો એક નવો પંપ ઉભો કરી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે યાત્રાધામ વિરપુરના નેશનલ હાઈવે પર ખાણે ખૂંચકે ત્રીસ કિમીના વિસ્તારમાં આવા ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલના નામે ભેળસેળયુકત પ્રવાહી વેચાણના પંપો ઉપર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી પંપો બંધ કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે નહીતો આગામી સમયમાં યાત્રાધામ વીરપુર પંથકના જાગૃત પર્યાવરણ પ્રેમીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવું જાગૃત લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

(3:06 pm IST)