Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ભુજની ધુતારા ટોળકીએ સોશ્યલ મીડિયામાં સસ્તું સોનુ આપવાની લાલચ આપી ચેન્નાઈના જવેલર સાથે ૬.૮૬ લાખની ઠગાઇ

ઇન્ડિયા માર્ટ નામની વેબ સાઈટ ઉપર જાહેરાત આપી હતી, સસ્તું સોનુ મેળવવાની લાલચ ભારે પડી, ગૂગલ પે અને આંગડિયા દ્વારા રૂ. મોકલ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭

જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતાં નથી. સસ્તું મેળવી વધુ કમાઈ લેવાની લાલચ સોશ્યલ મીડિયા દ્વારા આપી કચ્છના ઠગબાજોએ અન્ય રાજ્યના વધુ એક જણને શીશામાં ઉતાર્યો છે. સસ્તાં સોનાના નામે ચેન્નાઈના જ્વેલર્સની ઠગાઈ કરવાના ગુનામાં થોડાંક દિવસો અગાઉ એસઓજીએ ઝડપેલાં ભુજના શબીરહુસેન અલીમામદ નૂરમામદ સોઢાએ તામિલાનાડુના એક જ્વેલ૨ જોડે ૬.૮૬ લાખની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. શબિર પાસેથી ઝડપાયેલાં મોબાઈલ ફોનમાં જ્વેલર્સ જોડે થયેલી વૉટસએપ ચેટના આધારે પોલીસે જ્વેલરનો સંપર્ક કરતાં શબ્બિરનો નવો કાંડ બહાર આવ્યો છે. ઠગાઈ અંગે મોહમ્મદ અબ્બાસ ઝકરીયા નામના જ્વેલરે શબ્બિર અને ફૈઝલ સહિત છ સામે ફરિયાદ નોંધાવી છે.

 

અબ્બાસે જણાવ્યું કે ઈન્ડિયા માર્ટ નામની વેબસાઈટ પર સસ્તાંમાં સોનુ મળવાની જાહેરાત જોઈ તેણે તેમાં આપેલાં મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. રીઝવાન નામના શખ્સ ફોન ઉપાડી તેને મુંદરા પોર્ટ પરથી સસ્તાંમાં સોનું લાવીને માર્કેટ રેટ કરતાં દસથી બાર ટકા ઓછા ભાવે વેચતાં હોવાનું જણાવ્યું હતું. સોદા માટે રીઝવાને તેને ભુજ રૂબરૂ બોલાવતાં તે જાન્યુઆરી ૨૦૨૧માં ભુજ આવ્યો હતો. રીઝવાન તેને રહિમનગરમાં તેના શેઠ સમીરના ઘેર લઈ ગયો હતો. આ સમયે ત્યાં સમીરનો ભાઈ અને ફિરોઝ નામના અન્ય બે આરોપી પણ ત્યાં હાજર હતા.

 

આરોપીઓએ ફરિયાદીને સોનાના પાંચ બિસ્કીટ બતાડી જો પાંચ કિલો સોનુ ખરીદો તો માર્કેટ રેટ કરતાં વીસ ટકા ઓછા

ભાવે આપવા નહિંતર બાર ટકાના રેટ પર આપવાની ઑફર કરી હતી.

ફરિયાદી નાણાં લાવ્યો નહોતો અને સોદા અંગે વાતચીત કરી પરત તામિલનાડુ જતો રહ્યો હતો. રીઝવાને તેને ફસાવવા માટે ૫૦ હજાર રૂપિયામાં ૨૦૦ ગ્રામ સોનુ ઘેરબેઠાં મોકલી દેવાની ઑફર કરતાં તેની જાળમાં ફસાઈને ફરિયાદીએ ગૂગલ પેથી તેને ૫૦ હજાર રૂપિયા મોકલી આપ્યાં હતા. પરંતુ, ત્યારબાદ રીઝવાને બહાના કરી સોનુ મોકલ્યું નહોતું. થોડાંક દિવસો બાદ ફરિયાદીને સમીરના પીએ સુનીલભાઈનો ફોન આવ્યો હતો અને સુનીલે જણાવ્યું હતું કે રીઝવાને સમીરભાઈ જોડે પાંચ લાખની ઠગાઈ કરી છે એટલે સોનાના સોદા માટે ડાયરેક્ટ સમીરભાઈનો જ સંપર્ક કરજો. ચીટર ગેંગ ફરિયાદીને સતત ફોન અને મેસેજ કરી સસ્તુ સોનુ ખરીદવા લલચાવી પાંચસો ગ્રામ ગોલ્ડ ઘેરબેઠાં મોકલી આપવાની ઑફર કરી, ઈમિગ્રેશન ઑફિસરને ગોલ્ડના ક્લિયરન્સ માટે આપવા પડશે તેમ કહી હવાલા મારફતે ચાર લાખ મેળવી લીધા હતા. ચાર લાખ ચૂકવ્યાં બાદ આરોપીઓએ બહાના કરી સોનાની ડિલિવરી આપી નહોતી. થોડાંક દિવસો બાદ ડિલિવરી ચાર્જ પેટે સમીરે ફરિયાદી પાસેથી ૩૦ હજાર મેળવ્યાં હતા. ફરી તેને માલ લેવા માટે ચંદિગઢ બોલાવીને ડિલિવરી પૂર્વે બે લાખ રૂપિયા આપવા પડશે નહીંતર આગળ આપેલાં રૂપિયા પાછાં નહીં મળે અને ગોલ્ડ પણ નહીં મળે તેમ કહી સમીરે ઓનલાઈન પેમેન્ટથી બે લાખ મેળવ્યાં હતા. તે પછી પણ ડિલિવરી મળી નહોતી. આરોપીઓ સતત બહાના કર્યા કરતાં. સમીરે તેને એક લેડી કસ્ટમ ઑફિસરનો નંબર આપી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા કહેલું. તે કહેવાતી મહિલાએ પણ ફરિયાદી પાસે ડિલિવરી માટે નાણાં માંગેલા, પરંતુ ફરિયાદીએ નાણાં ચૂકવ્યાં નહોતા. છેલ્લે એક અજાણ્યા નંબર પરથી ફરિયાદીને ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે ડિલિવરી આપવા ગાડીથી નીકળ્યો હોવાનું જણાવી રસ્તામાં ગાડી બગડી ગઈ છે અને રીપેરીંગ માટે પૈસા નથી તેમ કહી છ હજાર રૂપિયા પડાવી લીધાં હતા.

ઠગાઈ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે સમીર ઊર્ફે શબ્બિર, રીઝવાન એ ઊર્ફે ફૈઝલ ઊર્ફે ફૈઝાન મોહમ્મદ હુસેન શેખ, સમીરના ભાઈ, ફિરોઝ નામના વ્યક્તિ, પીએ તરીકે ઓળખ આપનાર સુનીલ અને એક અજાણ્યા મોબાઈલ નંબરધારક વિરુધ્ધ ગુનાહિત ષડયંત્ર રચી ઠગાઈ કરવાની કલમો તળે ગુનો નોંધ્યો છે.

(10:23 am IST)