Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કચ્છના લવ જેહાદના પ્રથમ કેસના આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

લખપતના ઘડુલીના જાફર ઊર્ફે બાપાડો અલાના રાયમા નામના પરિણીત યુવક સામે યુવતીએ દસ-દસ વર્ષ સુધી પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી પોતાનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી 'તી

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૭

કચ્છમાં પોલીસ ચોપડે નોંધાયેલાં લવ જેહાદના પ્રથમ કેસના આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે.

લખપતના ઘડુલીના જાફર ઊર્ફે બાપાડો અલાના રાયમા નામના પરિણીત યુવક સામે સ્થાનિક યુવતીએ દસ-દસ વર્ષ સુધી પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી પોતાનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ૧૬ જૂનના રોજ દયાપર પોલીસે જાફર અને તેના ભાઈ હસન વિરુધ્ધ આઈપીસી કલમ ૩૭૬(૨) એન, ૩૭૬(૩), ૫૦૬(૨) અને પોક્સો એક્ટની કલમ ૩,૪,૫(એલ), ૬ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી જાફરની ધરપકડ કરી હતી. ગુનાની તપાસમાં આરોપીએ ફરિયાદીનું કારમાં અપહરણ કર્યું હોવાની અને ધર્મપરિવર્તન કરવા ધાક-ધમકી આપી હોવાનું બહાર આવ્યું હતું. જેથી આઠેક દિવસ પૂર્વે તેમાં અપહરણ તેમજ લગ્નના નામે બળજબરીથી કરવામાં આવતાં ધર્મ પરિવર્તનને રોકતાં ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા (લવ જેહાદ)ના કાયદાની કલમનો ઉમેરો કરવામાં આવતાં કચ્છમાં લવ જેહાદનો આ પ્રથમ ગુનો નોંધાયો હતો. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સગીર વયની હતી ત્યારથી આરોપીએ તેને અવારનવાર ભેટ-સોગાદો આપી પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધો બાંધવાનું શરૂ કરેલું. ફરિયાદી પુખ્ત વયની થયાં બાદ પોતે પત્નીને તલાક આપીને તેની સાથે લગ્ન કરશે તેમ કહી આરોપી શારીરિક શોષણ કરતો રહ્યો હતો. આરોપીએ ફોનમાં રહેલાં યુવતીના ફોટોગ્રાફ અને કોલ રેકોર્ડીંગના આધારે બ્લેકમેઈલ કરી સંબંધ ચાલું રાખવા દબાણ કરી તેનું અપહરણ કર્યું હતું. જાફરના ભાઈ હસને પણ ફરિયાદીને ધાક-ધમકી આપી ગુનામાં મદદગારી કરી હોઈ પોલીસે તેને સહઆરોપી બનાવ્યો હતો. આ ગુનામાં હસને ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી દાખલ કરેલી પરંતુ સેશન્સ કૉર્ટે ગુનાની ગંભીરતા જોતાં તેની અરજી ફગાવી દીધી છે. આ કેસમાં સરકાર પક્ષે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજા તથા મૂળ ફરિયાદ પક્ષ વતી એડવોકેટ વિપુલ ડી. કનૈયા, હેમાલી ટી. પરમાર, એમ.એસ.સીજુ વગેરેએ દલીલો કરી હતી.

(10:09 am IST)