Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કચ્છ હરામીનાળામાંથી ૧૦ બોટ સાથે ૪ પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા

બીએસએફે વહેલી સવારે : ઘૂસણખોરીની એક ઘટનાને નિષ્ફળ બનાવી : ભારતની સીમમાં પ્રવેશ કર્યા કે તરત જ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭

 કચ્છમાં તૈનાત બોર્ડર

સિક્યોરિટી ફોર્સ(BSF) દ્વારા ગુરુવારે વહેલી સવારે હરામીનાળા

વિસ્તારમાં ઘૂસણખોરીની એક ઘટનાને નિષ્ફળ કરવામાં આવી છે. અગાઉથી મળેલા ઇન્ટેલ ઈનપુટ આધારે સંવેદનશીલ હરામીનાળામાં ઉભી કરવામાં આવેલી ટ્રાઈ જંક્શન પોસ્ટ પાસે સીમા સુરક્ષા દળના એક સ્પેશ્યલ એમ્બુશ ગ્રુપ ઘાટ લગાવીને બેઠું હતું. જેવી ભારતમાં ઘુસણખોરી કરવાની હરકત થઈ કે તરત જ ચાર પાકિસ્તાનીને દબોચી લેવામાં આવ્યા હતા. ઘૂસણખોરો દસ બોટમાં સવાર હતા જેને BSF દ્વારા જપ્ત કરવામાં આવી છે.

ગુજરાતના કચ્છ જિલ્લાને અડીને આવેલી ઈન્ડો-પાક બોર્ડરે આવેલી બોર્ડર પોસ્ટ 1165 અને 1166 પાસે એક ખાસ એમ્બુશ દળ દ્વારા પાકિસ્તાન તરફથી મુવમેન્ટ જોવામાં આવતા તેઓ એલર્ટ થઈ ગયા હતા. જેવા ઘૂસણખોર ભારતની સીમમાં પ્રવેશ કર્યા કે તરત જ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. અને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી હતી. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા પાકિસ્તાનીઓએ સ્થિતિ પામીને ભારતીય જવાનો સામે ઘૂંટણ ટેકી દીધા હતા. બીએસએફ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ પકડાયેલી 10 બોટ માછીમારીની છે. તેમજ ઝડપાયેલા ઘૂસણખોરો પાસેથી પ્રાથમિક તપાસમાં હાલ કાંઈ મળ્યું નથી. તેમ છતાં જે રીતે વહેલી સવારે મોટી સંખ્યામાં બોટ સાથે ઘુસણખોરીનો પ્રયાસ થયો છે તેને જોતા સમગ્ર એરિયામાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ પ્રકારે જ ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો જેમાં ભારત તરફથી ગોળીબાર કરવાની પણ ફરજ પડી હતી.

(10:22 am IST)