Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ભૂજમાં વકીલની ઓફિસમાંથી ચોરી : તસ્‍કર ૧૦ હજાર અને ફાઇલો લઇ પલાયન

ભુજ,તા.૭:ભુજની કોર્ટમાં પ્રેક્‍ટિસ કરતાં એડવોકેટ સંતોષસિંહ રામસિંહ રાઠોડની શહેરની એસટી કોલોની, હિંગળાજ વાડીમાં આવેલી ઓફિસમાંથી અજાણ્‍યો શખ્‍સ દસ હજારની રોકડ રકમ અને ચેક રીટર્નના લખાણ અને અસલ દસ્‍તાવેજ સાથેની ફાઈલ ચોરી ગયો હોવાનો બનાવ બન્‍યો છે.

ફરિયાદી રાઠોડ ગત મંગળવારે બપોરે સાડા ત્રણ કલાકે ઓફિસનો દરવાજો બંધ કરી કોર્ટમાં ગયા હતા. જો કે, તેમણે દરવાજાને લોક માર્યું નહોતું. સાંજે સાડા પાંચ કલાકે પરત ઓફિસ આવ્‍યા ત્‍યારે ટેબલ પરના કાગળિયા અસ્‍તવ્‍યસ્‍ત જોવા મળ્‍યાં હતા. અને ટેબલના ખાનામાં રાખેલાં દસ હજાર રૂપિયા ગાયબ હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. ચેક રીટર્નના કેસ સંદર્ભે એક અસીલે આપેલાં અસલ દસ્‍તાવેજની ફાઈલ પણ ચોરાઈ ગઈ હોવાનું રાઠોડે ફરિયાદમાં લખાવ્‍યું છે. અજ્ઞાત તસ્‍કર ઓફિસના પાછલાં દરવાજેથી પ્રવેશ્‍યો હોવાનું અને ત્‍યાં તેના પગરખાના નિશાન જોવા મળ્‍યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:53 pm IST)