Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઉપલેટામાં ગાધા લીફટ ઇરીગેશન યોજના ચાલુ કરવા ધારાસભ્‍યની રજુઆત

ઉપલેટા,તા.૭:  તાલુકાના ગાધા ગામે આવેલી રાજકોટ જીલ્લા પંચાયતની માલિકીની  ગાધા લીફટ ઈરઈગેશન યોજના ચાલુ કરવા માટે પુર્વ ધારાસભ્‍ય છગનભાઈ સોજીત્રાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર તેમજ રાજયના સિંચાઈ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને આવેદન પત્ર મોકલીને રજુઆત કરેલ છે.જેમાં મંડળી દ્વારા આ બાબતે કાંઈ કાર્યવાહી થઈ શકે તેમના હોય તો આ યોજના જીલ્લા પંચાયતને પરત સોંપવાની કાર્યવાહી કરવા જણાવેલ છે.

૧૯૬૭માં લગભગ ૧૫૦૦ વીઘા જમીનને બાર માસ પાણી મળી રહે અને તે દ્વારા ખેડુતો અને ખેતી સમૃધ્‍ધ થાય તેવા આશયથી તે વખતના જીલ્લા પંચાયતના પ્રમુખ વલ્લભભાઈ પટેલ અને ઉપલેટાના ધારાસભ્‍ય જયરામભાઈ પટેલના પ્રયત્‍નો થી શરૂ  કરાયેલ. યોજના કેટલાક વર્ષો સુધી ચાલ્‍યા બાદ ભાદર નદીમાં અપૂરતા પાણી અને ડીઝલ મશીનરીના કારણે પડતી મુશ્‍કેલીઓ અને પાઇપલાઇન અને મશીનરીમાં ખામીઓ સર્જાવાના કારણે બંધ પડયા બાદ આ યોજના ચાલુ કરવા માટે છગનભાઈ સોજીત્રાએ ગાંધા લીફટ ઈરીગેશન ખેડુત સહકારી મંડળી લી.ની સ્‍થાપના કરી હતી.

જીલ્લાં પંચાયત રાજકોટે યોજના ચલાવવા માટે આ મંડળીને સુપ્રત કરેલ અને આ મંડળીએ ખેડુતો દ્વારા મોટો ખર્ચ કરીને કેટલીક પાઈપ-લાઈન બદલાવીને જનરેટર સેટ વસાવીને ચાલુ કરેલ પરંતુ ત્‍યારબાદ બાકીની પાઈપ-લાઈનમાં ખામી અને ડીઝલના અતિ ઉંચા ભાવ અને માદર નદીમાં અપૂરતા પાણીને કારણે આ યોજના બંધ પડેલ છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ત્રણ માસ પહેલા ઉમિયા પરીવારના કાર્યક્રમમાં હાજર રહેલી મેદનીને વર્ચ્‍યુઅલ હાજરીથી દરેક જીલ્લામાં પંચોતેર તળાવો કરવા માટેની અપીલ કરેલી અને પાણીના એક-એક ટીપાનો સંગ્રહ કરીને ખેતીનું ઉત્‍પાદન વધારવા માટે અનુરોધ કરેલ હતો. જે મુજબ ભાદર નદીમાં આ મંડળી માટે ચેક ડેમ પણ છે અને બારેમાસ પાણીની પણ સવલત છે ચેકડેમ બાંધવાના ખર્ચમાં મંડળીએ પોતાનો હિસ્‍સો પણ આપેલ છે તેમજ અત્‍યારે વિજળીનું કનેકશન પણ છે.તો મશીનરી તથા પાઈપલાઈન બદલાવીને આ યોજના ચાલુ થઈ શકે તેમ છે. તેથી ખેત ઉત્‍પાદનમાં પણ ખુબ જ વધારો થાય તેમ છે તેમજ ખેડુતોની આવકમાં પણ સારો એવો વધારો થઈ શકે તેમ છે.

જેથી યોજના પુનઃજીવીત કરીને ખેડુતો અને ખેતીના વિકાસ દ્વારા રાજય અને દેશના વિકાસમાં સહભાગી થવા  છગનભાઈ સોજીત્રાએ રજુઆત કરી હતી.

(11:06 am IST)