Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઉનામાં સવારે ૩ કલાકમાં અઢી ઇંચ મચ્‍છુન્‍દ્રી રાવલ અને શાહી નદીઓ બે કાંઠે

ગ્રામ્‍ય વિસ્‍તારમાં ર૪ કલાકમાં એકથી ત્રણ ઇંચઃ દેલવાડા ભાચા અંબાડા વાજડી સામતેર,સનખડા, કાંધી, નવાબંદરમાં વરસાદઃ શાહબાગ પાસે ચેક ડેમ ઓવરફલો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૭ :.. આજે સવારે ૬ થી ૯ વાગ્‍યા સુધીમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગઇકાલ સવારથી એકાંતરા વરસાદ ચાલુ રહેતા ર૪ કલાકમાં સરેરાશ એકથી ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગ્રામ્‍યમાં વરસાદને કારણે ઉનાની જીવાદોરી સમાન મચ્‍છુન્‍દ્રી રાવલ અને શાહી નદીઓનો બે કાંઠે વહી રહી છે.
ઉના શહેરમાં ગઇકાલે દોઢ ઇંચ વરસાદ વરસી ગયા બાદ આજે સવારે ૬ વાગ્‍યાથી ૩ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. અને ગ્રામ્‍ય પંથકમાં એકથી ત્રણ ઇંચ વરસાદ વરસી જતા ઉનાની જીવાદોરી મચ્‍છુન્‍દ્રી, રાવલ, શાહી નદીમાં પુર આવ્‍યા છે. આ ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે. શાહબાગ પાસે આવેલ ચેક ડેમ કમ કોઝવે ઓવર ફુલ થયેલ છે.
ઉના શહેરમાં સતત પાંચમાં દિવસે ધીમીધારે ત્‍થા જોરદાર વરસાદ વરસેલ બુધવારે બપોરના એક વાગ્‍યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયેલ હતો. રોડ ઉપર પાણી વહેવા લાગેલ હતા આજે સવારે અઢી ઇંચ બાદ મોસમનો કુલ ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે.
ગ્રામ્‍ય વિસ્‍તાર દેલવાડા, ભાચા, અંબાડા, વાજડી, સામતેર, સનખડા, કાંધી, નવાબંદરમાં બે ઇંચ વરસાદ વરસી ગયો છે.
ઉપરવાસ વરસાદને કારણે ઉના-ગીરગઢડા તાલુકામાંથી પસાર થતી મચ્‍છુન્‍દ્રી, રાવલ, શાહી નદીમાં પુર આવતા બે કાંઠે વહેવા લાગી હતી. ઉનામાં અંજાર જતા રોડ ઉપર શાહબાગ પાસે ચેક ડેમ કમ કોઝવે છલકાઇ ગતા પુલ ઉપરથી પાણી વહેવા લાગેલ હતાં.

 

(11:55 am IST)