Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

એસટીની સતત બીજે દી' કોડીનાર-દીવ ટ્રીપ રદ : મુસાફરોને ભારે મુશ્‍કેલી

ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા : કુલ ૧૫ થી ૧૬ બસોના પૈડા થંભી ગયા :વેરાવળ સુધી બસો ચાલુ

રાજકોટ,તા. ૭ : વરસાદની ઋતુ જામી છે ત્‍યારે ઠેર-ઠેર ભારે વરસાદ પડયા છે. સોરઠ પંથક અને તેની ઉપરના વિસ્‍તારોમાં વરસાદ રીતસર ત્રાટકતા લોકોને ભારે હેરાનગતિ થઇ ઠેર-ઠેર નદી નાળા છલકાયા છે. અને રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળતા વાહન વ્‍યવહાર પણ ખોરવાયો છે.
આજે સતત બીજા દિવસે પણ એસટીની કોડીનાર-દીવ સુધી જતી બસોની ટ્રીપ કેન્‍સલ કરવામાં આવી છે. રાજકોટ અને અન્‍ય ડેપોની મળીન કુલ ૧૫ થી ૧૬ બસો વેરાવળ સુધી જ પહોંચી શકતા વેરાવળથી ઉપરના વિસ્‍તારો કોડીનાર અને દીવ સાથે વાહન વ્‍યવહાર થંભી ગયો છે.
ઉપરાંત દીવ-કોડીનારથી બસો પણ પાણી ભરાઇ ગયા હોવાના કારણે આવી શકતી નથી તેમજ એસટીના અધિકારી વર્તુળમાંથી જાણવા મળ્‍યું છે. વાહન વ્‍યવહાર ખોરવાતા જરૂરી કામ કે મેડીકલ ઇમરજન્‍સીને પણ અસર પહોંચી છે.
કોડીનાર અને સુત્રાપાડામાં ગઇ કાલે પડેલ જોરદાર વરસાદના પગલે આસપાસના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. તેવામાં અનેક જગ્‍યાએ પાણી ભરાતા એસટીને તે તરફની ટ્રીપ સતત બીજે દીવસે કેન્‍સલ કરવી પડી છે. લોકોને પારાવાર મુશ્‍કેલીઓ થઇ રહી છે.

 

(12:06 pm IST)