Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ચાપરડામાં સંસ્‍કૃત ભારતી સૌરાષ્‍ટ્ર પ્રાંતનું બે દિ' સંમેલન

તા.૯ અને ૧૦ જુલાઇના રોજ મુકતાનંદબાપુના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર સંમેલનમાં ૩પ૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેશે

જુનાગઢ તા.૭ : સંસ્‍કૃતભારતીએ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના ૩૮ દેશોમાં સંસ્‍કૃત ભાષાનો નિશુલ્‍ક પ્રચાર પ્રસાર કરે છે. જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્‍કૃતને  જન વ્‍યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્‍ન રત છે. આવા ૩પ૦થી વધારે કાર્યકર્તાઓનું પ્રથમ પ્રાંતીય સંમેલન જુલાઇ માસની ૯ અને ૧૦ તારીખે બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાપરડા મુકામે યોજાવા જઇ રહયુ છે.

આ સંમેલનમાં સૌરાષ્‍ટ્ર પ્રાંતના ૧પ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ પોતાના સ્‍વખર્ચે ઉપસ્‍થિત રહેશે અને બે દિવસ સંસ્‍કૃત ભાષાના સવંર્ધન હેતુ વિચાર - વિમર્શ કરશે. આ સંમેલનમાં સંસ્‍કૃત સંગઠનનું અભુતપુર્વ દર્શન થશે.

જુનાગઢની જાહેર જનતા માટે અને સૌરાષ્‍ટ્રના લોકો માટે પ્રદર્શનીઓનું ઉદઘાટન ૯ તારીખે સવારે ૧૧ વાગ્‍યે કરવામાં આવશે. જાહેર જનતા માટે  રાત્રે ૯ કલાકે સંસ્‍કૃતમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે. જેમાં સંસ્‍કૃતમાં નાટક પ્રસ્‍તુતિ, કથક વગેરે નૃત્‍ય અને અન્‍ય ઘણા બધા કાર્યક્રમો સંસ્‍કૃતમાં પ્રસ્‍તુત કરવામાં આવશે. તેમજ આ સંમેલનનું ઉદઘાટન ૯ તારીખે બપોરે ર.૩૦ કલાકે રાખવામાં આવેલ છે.

કાર્યકર્તાઓનો ઉત્‍સાહ વધારવા માટે ઉદઘાટન સમારોહમાં અધ્‍યક્ષસ્‍થાને સ્‍વાગત સમિતિના સંરક્ષક અને બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાપરડાના મહંત મુકતાનંદબાપુ, સંસ્‍કૃત ભારતી, જુનાગઢના અધ્‍યક્ષ દાનીરાયજી હવેલીના આચાર્ય વ્રર્જેન્‍દ્રકુમારજી સ્‍વાગત સમિતિના અધ્‍યક્ષસ્‍થાને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ (ડો.) ચેતન ત્રિવેદી, સોમનાથ સંસ્‍કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિ લલીતભાઇ પટેલ, પ્રસિધ્‍ધ કથાકાર શ્‍યામભાઇ ઠાકર, અગ્રણી કેળવણીકાર, જેઠાભાઇ પાનેરા અને મુખ્‍ય વકતા તરીકે સંસ્‍કૃતભારતીના અખિલ ભારતીય મંત્રી સત્‍યનારાયણજી ઉપસ્‍થિત રહેશે. સમાપન સમારોહમાં અધ્‍યક્ષસ્‍થાને મહંત હરિહરાનંદભારતીજી તથા અતિથીઓ સ્‍વરૂપે શાષાી સ્‍વામી પ્રેમસ્‍વરૂપદાસજી, ભોગીલાલ ભટ્ટ, ડો.મહાદેવપ્રસાદ મહેતા, મિરાંત પરિત, જે.કે.ઠેસિયા અને મુખ્‍ય વકતા તરીકે ઉત્તર કાશીના અક્ષયાનંદ સરસ્‍વતીજી હાજર રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્‍કૃત ભારતીના પ્રાંત અધ્‍યક્ષ જયંશકર રાવલ, ઉપાધ્‍યક્ષ પ્રો. (ડો) ચેતનભાઇ ત્રિવેદી, મંત્રીશ્રી પંકજભાઇ ત્રિવેદી, સહમંત્રી લલીતભાઇ પટેલ, સૌરાષ્‍ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ ડો. કિશોરભાઇ શેલડીયા, યોગેશ્વરદાસજી સ્‍વામી, જીતુભાઇ ભીંડી સહિત અનેક કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયા છે.

(12:35 pm IST)