Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્દઘાટન પહેલાં જ નર્મદા ડેમમાં ગાબડું: માંડવીના બીદડા પાસે ખેતરોમાં પાણી ભરાયા

લોકોમાં કેનાલના કામ સામે આક્રોશ, અગાઉ રાપર, ભચાઉમાં પણ ગાબડા પડ્યા છતાંયે ભ્રષ્ટાચાર યથાવત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : કચ્છમાં બાકી રહેલ નર્મદાની કેનાલનું કામ પૂર્ણ કરી થોડા જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્દઘાટનનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. જુલાઈ મધ્ય અથવા ઓગસ્ટ એમાં જે તારીખો નરેન્દ્રભાઈને અનુકૂળ આવે એ તારીખે કચ્છમાં નર્મદા કેનાલ છેક માંડવીના મોડકુબા સુધી પહોંચી એનું લોકાર્પણ કરવાનું આયોજન અંતિમ તબક્કા માં છે. એ પૂર્વે કામ પૂર્ણ થતાં કેનાલમાં પાણી છોડાયું હતું. પરંતુ, પાણી પહોંચ્યાના ૨૪ કલાકની અંદર નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે અને કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસ્યા છે. માંડવી તા.ના બિદડા ગામના ભાનાતર વાડી વિસ્તારમાં  મોડી રાત્રે ૨ વાગ્યાના અરસામાં કેનાલમાં ગાબડું પડ્યું હતું. હજી ગઈકાલે બપોરે જ નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચ્યા હતા. નર્મદા કેનાલની કામની ગુણવત્તાને લહીને લોકોએ અગાઉ રજૂઆતો કરી હતી. પરંતુ

પાણી છોડવાના એકજ દિવસમાં કેનાલ તૂટતા કેનાલના કામમાં મોટા પાયે ભષ્ટાચાર આચરાયો હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. આથી અગાઉ રાપર અને ભચાઉમાં પણ નર્મદા કેનાલમાં ગાબડાં પડી ચૂક્યા છે. કામ કરતી એજન્સીઓ અને અધિકારીઓ ના કારણે સરકાર માટે ગાબડા ના સમાચારે સવાલો ખડા કર્યા છે. વળી, વડાપ્રધાન ની મુલાકાત પૂર્વે જ ગાબડું પડતાં લોકોમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

(12:40 pm IST)