Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જામનગરના નાના વડાળા ગામમાં નદીમાં સ્કૂલની બસ ફસાઈ :9 વિદ્યાર્થી અને 2 શિક્ષકોને ગ્રામજનોએ બચાવ્યા

નદીમાં સ્કૂલ બસ ખાબકતાની સાથે જ પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે બસ ઉંધી પડી ગઇ: મદદ માટે જેસીબીની મદદ લેવાઈ

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાં વરસાદ આફત બનીને આવ્યો છે. જામનગરના નાના વડાળા ગામમાં નદીમાં સ્કૂલ બસ ખાબકી હતી. સ્કૂલ બસમાં નવ વિદ્યાર્થી સવાર હતા. નદીમાં સ્કૂલ બસ ખાબકતાની સાથે જ પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે બસ ઉંધી પડી ગઇ હતી. બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો મોટી સંખ્યામાં ચાલુ વરસાદે ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને બસમાં સવાર લોકોનું રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ. બસમાં સવાર વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી

બસ ડ્રાઇવરની ભૂલને કારણે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. ભારે વરસાદ વરસતો હતો અને નદીમાં પુર ઝડપે પાણી વહેતુ હતુ છતા બસના ડ્રાઇવરે વિદ્યાર્થીઓ ભરેલી બસને નદીમાં ઉતારી હતી અને જેને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હતી. બસ પાણીના પ્રવાહ સામે ટકી શકી નહતી અને ઉંધી વળી ગઇ હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બસ ટક્કર લઇ શકી નહતી અને ઉંધી વળી ગઇ હતી. બસના ડ્રાઇવર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં જામકંડોરણા-ગોંડલ રોડ પર ભારે વરસાદને કારણે પૂલ તૂટી ગયો હતો. દ્વારકામાં પણ ભારે વરસાદના પ્રવાહમાં કાર તણાઇ ગઇ હતી.

 

(6:51 pm IST)