Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

૨૮ દાવેદારો વચ્ચે અબડાસા બેઠક માટે કોંગ્રેસનું મહામંથન

માતાના મઢથી કોંગ્રેસે શરૂ કરી પેટા ચૂંટણી માટેની તૈયારી

નેતાઓએ મા આશાપુરાના દર્શન કરી લીધા આશિર્વાદ, કચ્છમાં રાજકીય માહોલ ગરમ પક્ષપલટો કરનાર પ્રદ્યુમનસિંહને કહ્યા વિશ્વાસઘાતી, ૮ ધારાસભ્યોને પક્ષપલટો કરાવી ભાજપે લોકશાહીની પવિત્ર વ્યવસ્થાને કરી બદનામ

ભુજ તા. ૭ : ગુજરાત કોંગ્રેસે ૮ પેટા ચૂંટણીઓની તૈયારીઓનો કચ્છના માતાના મઢથી જોરશોરથી આરંભ કરતાં ભાજપ ઉપર લોકશાહીની પવિત્ર વ્યવસ્થાને બદનામ કરવાના આક્ષેપો કર્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં ગુજરાતના મતદારોને અપીલ કરી હતી કે તેઓ વિશ્વાસઘાત કરનારાઓને પાઠ ભણાવે.

અબડાસા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયા બાદ ભાજપમાં જોડાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપ વતી દાવેદાર છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ તેમના ઉપર મતદારોનો વિશ્વાસઘાત કરવાનો આરોપ મૂકયો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજયની આઠ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજયની શરૂઆત અબડાસાથી કરવાના આહવાન સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને એક જુટ બની ચૂંટણી લડવાની હાકલ કરી હતી.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપની નીતિઓને પ્રજા વિરોધી ગણાવી હતી. જયારે કોંગ્રેસને અને મતદારોને છેહ આપનારાઓને પ્રજા પાઠ ભણાવશે એવું જણાવ્યું હતું. હાર્દિક પટેલે કચ્છને સ્પર્શતા પ્રજાકીય પ્રશ્નોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, નર્મદાના પાણી, બેરોજગારી, આરોગ્ય, શિક્ષણના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ કચ્છનો અવાજ બનશે.

દરમિયાન અબડાસાની એક બેઠક માટે ૨૮ દાવેદારો હોવાની ચર્ચા સાથે પક્ષ દ્વારા એક મહિલા અને ત્રણ પુરુષ સહિત ચાર ઉમેદવાર વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની વાતો થઈ રહી છે. જોકે,૨૮ દાવેદારોના નામોની આગેવાનો કાર્યકરોમાં થઈ રહેલી ચર્ચા વચ્ચે ટકોર કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ટીકીટ કોઈ એક ને જ મળશે એટલે બાકીના અન્ય દાવેદારો પક્ષ સાથે રહે અને કોંગ્રેસને જીત અપાવે.

બેઠક પૂર્વે કોંગ્રેસી આગેવાનોએ માતાના મઢ મધ્યે મા આશાપુરાના દર્શન કર્યા હતા. બેઠકમાં વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય નૌશાદ સોલંકી, કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પણ સંબોધન કર્યું હતું.

(11:31 am IST)