Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ચોટીલામાં જૂગારમાં ૮૦ હજાર હારી જતા ડાયાભાઇ સાથળીયાનો ઝેર પી આપઘાત

દેવીપૂજક યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ વ્યાજે નાણા લઇ જૂગાર રમ્યા હોઇ ઉઘરાણી પણ થતી હોવાનું પરિવારજનોનું કથન

રાજકોટ તા. ૭: ચોટીલામાં રહેતો દેવીપૂજક યુવાન જૂગારમાં એંસી હજાર જેવી રકમ હારી જતાં વ્યાજે નાણા લીધા હોઇ ઉઘરાણી શરૂ થતાં કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ ચોટીલા દૂધેલીયા રોડ પર મફતીયાપરામાં રહેતો ડાયાભાઇ ધનજીભાઇ સાથળીયા (ઉ.વ.૪૦) નામનો યુવાન સાંજે છએક વાગ્યે ઘરે ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ રાતે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ ચોટીલા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર ડાયાભાઇ ચાર ભાઇમાં બીજો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે ભગવાનના ફોટા વેંચી ગુજરાન ચલાવતો હતો. પરિવારજનોના કહેવા મુજબ ડાયાભાઇ એકાદ મહિના પહેલા થાન તરફ જૂગાર રમવા ગયો હતો. જેમાં રકમ હારી ગયો હતો અને વ્યાજે નાણા લીધા હતાં. એંસી હજાર જેવી રકમનો બોઝ માથે આવી જતાં કેટલાક દિવસથી ચિંતામાં રહેતો હતો. તેમજ વ્યાજની ઉઘરાણી પણ થઇ રહી હોઇ તેના કારણે પણ મુશ્કેલી ઉભી હોવાથી આ પગલુ ભર્યુ હતું. આક્ષેપો અંગે ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)