Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ભેંસાણના ચણાકા ગામે પૂરમાં ફસાયેલ હિરાઘસુને રેસ્કયુ કરી બચાવી લેવાયો

જૂનાગઢ તા. ૭ : જૂનાગઢ રેંજના ડીઆઇજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા નવા આવેલા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પ્રજા કલ્યાણના કાર્યો કરી, પ્રજા સાથે સહિષ્ણુતા ભર્યું વર્તન કરવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે.

ગઇકાલે ભેસાણ વિસ્તારમાં પડેલ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ અને નદી નાલાઓમા પાણી ભરાઈ ગયા હતા. આ વખતે વિસાવદર તાલુકાના પીરવડ ગામના વતની અને ભેસાણ ખાતેથી હીરા ઘસવાનું કામ પતાવી, બાબુભાઈ ગોકળભાઇ હીરપરા ઉવ. ૪૫ પોતાના મોટર સાયકલ ઉપર પોતાના ગામ જતા હતા. રસ્તામાં ચણાકા થી ગુજરીયા વચ્ચે રસ્તામાં ખોડિયાર હોકરા ના કોઝ વે પરથી પસાર થતા હતા ત્યારે હોકરામાં અચાનક પાણી આવાતા, મો.સા. સહિત બાબુભાઈ તણાયેલ હતા. મો.સા. તણાઈ ગયેલ અને પોતે કોઝ-વેના પુલ પાસે લોખંડના થાંભલા પાસે આવતા, પાણી વચ્ચે વોકરામા થાંભલો પકડી રાખી, ઉભા રહી ગયેલા અને પાણી વચ્ચે ઘેરાઈ ગયેલ હતા. સતત વરસાદ ચાલુ હતો અને પાણી વધતું જતું હતું.

આ બાબતની જાણ મામલતદારને થતા તેઓએ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કરેલ, અને જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળઙ્ગ ભેસાણ પો.સ.ઇ. આર.એ.જાડેજા તથા સ્ટાફના હે.કો. દિલુભા ગઢવી પો.કો. રમેશભાઈ, બળવંતસિંહ, કલ્પેશભાઈ સહિતની ટીમ તેમજ ભેસાણ મામલતદાર શ્રી બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ સાથે તાત્કાલિક ચણાકા ગુજરિયા રોડ ઉપર કોઝ વે ઉપર પહોંચી, ચણાકા ગામના લોકોના સહકારથી દોરડાં મંગાવી કાર્યવાહી હાથ ધરેલ હતી. નજીકમાં ટોરેન્ટ ગેસ કંપનીની લાઈન નું કામ ચાલતું હોય, ક્રેન પણ મંગાવવામાં આવેલ હતી. ચણાકા ગામના લોકો વિજયભાઈ પીઠડિયા, જશાભાઈ ભરવાડ, મનસુખભાઇ ડોબરિયા, રાજુભાઇ ભરવાડ, ભરતભાઇ જોટંગિયાના સહકારથી દોરડાં તથા ક્રેઇન ચાલક રાહુલભાઈ સદીયાની મદદથી પાણી વચ્ચે થાંભલા ઉપર ફસાયેલા બાબુભાઈ હીરપરાને બહાર કાઢવામાં આવેલ હતા. પૂરના પાણીમાં ફસાયેલા બાબુભાઈ હીરપરા મોતના મુખમાંથી પાછા આવતા, આભાર વ્યકત કરવામાં આવેલ હતો. બાબુભાઈને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવેલ હતી.

આમ, કાયદો વ્યવસ્થાના પાઠ ભણાવતા જૂનાગઢ પોલીસ તથા મામલતદાર સહિતના વહીવટી સ્ટાફ દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા હીરાઘસુ યુવાનને મદદરૂપ થઈ ને રેસ્કયું કરવાની કામગીરી કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા વરસાદના પૂરના પાણીમાં તણાયેલ અને ફસાયેલ યુવાનને બહાર કાઢી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરેલ છે.

(1:04 pm IST)