Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મોરબી પાલિકાની પ્લાસ્ટિકના કચરાના બદલામાં આકર્ષક ગિફ્ટ યોજનાનો પ્રારંભ : ટાઉન હોલ સહિત ત્રણ કલેક્શન સેન્ટરોમાં સૂકો પ્લાસ્ટિકનો કચરો જમા કરવા બદલ લોકોને ઘર વપરાશની આકર્ષક પ્લાસ્ટિકની વસ્તુઓ ભેટમાં આપશે, સમગ્ર ગુજરાતમાં આ યોજનાનો પાયલોટ પ્રોજેકટ તરીકે મોરબીમાં અમલ શરૂ

મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા નવતર પહેલ કરી છે. પાલિકાએ આજથી એક નવતર યોજના અમલમાં મૂકી છે. જેમાં પ્લાસ્ટિકનો સૂકો કચરો આપો અને એના બદલામાં આકર્ષક ભેટ લઈ જાઓ .આ પ્લાસ્ટિકનો સૂકો કચરો આપવા બદલ આકર્ષક ભેટ આપવાની નવતર યોજનાનો આજથી મોરબીના ટાઉન હોલ ખાતેથી પ્રારંભ થયો હતો .આ તકે પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, કાઉન્સીલર જયરાજસિંહ જાડેજા સહિતના સદસ્યો અને નગરપાલિકાની ટીમ તથા સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી પાલિકા તંત્રએ શહેરને સ્વચ્છ બનાવવા માટે ભગીરથ પ્રયાસો હાથ ધરીને શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા માટે એક નવતર પ્રકારની યોજના અમલમાં મૂકી છે. જેમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત સહયોગથી મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આજે 31 જુલાઈથી પ્લાસ્ટિકનો જુદો કરેલા કચરા આપવા બાદ લોકોને આકર્ષક ભેટ આપવાની યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે ત્રણ કલેક્શન સેન્ટર મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે, સુરજબાગ ખાતે તથા સામાકાંઠે કેશરબાગ ખાતે જે લોકો સૂકો જુદો કરેલો પાલસ્ટિકનો કચરો.લાવ્યા હોય તેઓને નગરપાલિકા આકર્ષક ગિફ્ટ ભેટમાં આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ નવતર યોજના વિશે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાતના સહયોગથી નગરપાલિકા તંત્ર દ્વારા મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આ નવતર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ 1 થી 4 કિલો સુધીની નકામી પાણીની પ્લાસ્ટિકની બોટલો સામે પ્લાસ્ટિકની સુપડી, ખુરશી, ડોલ, કુંડું તેમજ 1 થી 3 કિલો સુધીની ડિસ્પોઝેબલ ગ્લાસ સામે પ્લાસ્ટિકની સુપડીઓ, પ્લાસ્ટિકનું ડ્રમ તથા 1 થી 3 કિલો સુધીની પ્લાસ્ટિકની શેમ્પુ જેવી બોટલો સામે ન્હાવા માટેના પ્લાસ્ટિકના સાધનો, 1 થી 3 કિલો સુધીના પ્લાસ્ટિકની વપરાયેલી દૂધની કોથળીઓ સામે ડોલ, ડ્રમ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ, 1 થી 3 કિલો સુધીની પ્લાસ્ટિકની અલગ અલગ પેકિંગની કોથળીઓ સામે ડોલ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ તેમજ 1 થી 3 કિલો સુધીના પ્લાસ્ટિકના રમકડા સામે સુપડી, ડોલ સહિતની પ્લાસ્ટિકની ઘર વપરાશની વસ્તુઓ ભેટમાં અપાશે. આ યોજના આજથી 31 ઓગસ્ટ સુધી ચાલશે. બાદમાં સ્વચ્છત ભારત મિશનના ડાયરેકટર દ્વારા આ યોજનાનો રાજ્યની અન્ય નગરપાલિકાઓ અને મહા નગરપાલિકા દ્વારા અમલ થશે. હાલ મોરબીમાં આ યોજનાનો પાયલોટ પ્રોજેકટ તરીકે અમલ કરવામાં આવ્યો છે.

(3:37 pm IST)