Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કચ્છમાં ૨૬૦ ટકા વરસાદથી પશુઓમાં રોગચાળો : ટપોટપ મરતા ઘેટા -બકરા

માલધારી પરિવારોમાં ચિંતા : ૧૦ લાખ ઘેટા -બકરામાંથી ૩૦ ટકા પશુઓને બિમારી લાગુ પડી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૭: કચ્છમાં ભારે વરસાદ બાદ હવે પશુઓમાં રોગચાળો વકર્યો છે. ખાસ કરીને ઘેટા-બકરાઓ વધુ ભોગ બની રહ્યા છે. જેથી માલધારી પરિવારો ચિંતીત છે.

કચ્છ પંથકમાં વરસાદના અતિરેકથી પશુઓમાં રોગચાળો જોવા મળતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. ઘેટાં બકરા જેવા અબોલ જીવોને બીમારીના કારણે ચાલવામાં ભારે પરેશાની થતી હોવાથી વગડામાં ચરવા જઇ શકતા નથી અને મોઢું પાકી આવતા ઘાસ પણ ખાઇ શકતા ન હોવાથી બીમારીમાં સપડાયા બાદ એક દિવસમાં મોતને ભેટતા હોવાનું માલધારીઓ જણાવી રહ્યા છે.

ભારાપરના ખેંગાર ભાઈ રબારીના કહેવા મુજબ માલધારી ગામના માલધારીના ૩૦ જેટલા ઘેટા-બકરા બીમારીને કારણે મોતને ભેટતા આભ ફાટી પડ્યું છે. અમુક લંગડા થઈ ગયા છે અને મોઢા પાકી આવ્યા છે. માલધારીઓ હાલે હાથવગા ઈલાજ સાથે સારવાર કરે છે. અનેક ગામોમાં બીમારી ફેલાતા અનેક લવારા અને બકરા મરણ શૈયા ઉપર છે તેમ તેમણે કહ્યું હતું. પશુ પાલન વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરાય તેવી માગ તેમણે કરી હતી.

તો અંગે માલધારીઓના સંગઠન માટે કામ કરતી એનજીઓ સંસ્થાના રમેશભાઈ વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, ૧૦ લાખ જેટલા દ્યેટા બકરા કચ્છમાં આવેલા છે જેમાં ૩૦ ટકા જેટલા ઘેટા બકરાને આ બીમારી લાગુ પડી છે. જો પાંચ દસ ટકા મળે તો પણ આંકડો લાખોમાં થઇ જાય જેથી સત્વરે વહીવટ તંત્ર આ અંગે યોગ્ય કરે અહીંના માલધારીઓને આર્થિક રીતે પરેશાની ભોગવવાનો વારો પણ આવી જાય પશુઓના મોત અને એના રોગચાળા માટે વહીવટ તંત્ર અને પશુપાલન વિભાગને અપિલ પણ તેમણે કરી હતી. બીમારી બાબતે પશુ ચિકિત્સકે કહ્યું કે વરસાદી પાણીના કારણે પગ ફુગાઈ જાય અને તેનામાં રસી થાય છે.

ભચાઉ તાલુકાના કુંભારડી ગામે પર અંદાજે સાડા ત્રણસો જેટલા બકરા ઘેટામાં વધુ અસર થઇ છે. અને ટપોટપ મરી રહ્યાંની વાત પણ સામે આવી છે. પશુ દવાખાને જાણ કરવામાં આવી હતી તો આ વિસ્તારના રબારી સમાજના પ્રમુખે આ અંગે વાત કરી અને જે પરિસ્થિતિ છે તેમાં વહીવટ તંત્ર ધ્યાન આપે કારણ કે અહીં સવાથી દોઢ લાખ જેટલા ઘેટા બકરા છે. ખાસ કરીને માલધારી વર્ગમાં ચિંતાની લાગણી પણ ફેલાયેલી છે.

આ વિસ્તારના નેર બંદડી જંગી આંબલીયારા વાઢીયા શિકારપુરમાં દ્યેટા બકરામાં આ રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં ઘેટાંબકરાના પગની ખરીમાં સોજા આવી જાય છે જેથી ચાલી શકતા નથી. તો બીજી તરફ તેઓ કંઈ દ્યાસ તો ખાઈ શકતા નથી જેના કારણે બીમારીમાં સપડાય છે અને હવે તો મોતના મુખમાં ધકેલાય છે. જયારે ઘેટા બકરામાં માનવ વસ્તી કરતા થોડા ઓછા જીવ છે. તેના માટે વહીવટ તંત્ર કાઈ જલ્દીથી પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

તો આ વિસ્તારના પશુચિકિત્સકે પણ જે રોગ ચાલુ થયા છે તે અંગે વાત કરતા કહ્યું હતું કે, ઘેટા  બકરામાં ખરીની અંદર જીવાત પડી જાય છે. સોજા આવી જાય છે. પાણીમાં પગ રહેવાના કારણે આ બધું બીમારીઓ લાગુ પડે છે. કચ્છના માલધારીઓને સરકાર સમયસર દવા અને સારવાર મળે નહીતો મહામુલું પશુધન મોટા પ્રમાણમાં નષ્ટ થશે.

(11:30 am IST)