Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ખોરાણાની સીમમાં રૂ.૪,૭૩,૪૨૨ની ખનીજ (સાદી રેતી)ની ચોરીની ફરિયાદ

બે ટ્રક અને એક લોડર મશીનના ચાલક તથા તપાસમાં ખુલે તની સામે રોયલ્ટી ઇન્સ. એસ.એસ. બારૈયાએ ગુનો દાખલ કરાવ્યો

રાજકોટ તા. ૭: કુવાડવાના ખોરાણા ગામની સીમમાં ટ્રકો મારફત સરકારી ખરાબાની જગ્યામાંથી રેતી ચોરવાનું કારસ્તાન પકડાતાં ખાણ ખનીજ ખાતાના અધિકારીએ બે ટ્રક અને એક લોડરના ચાલક વિરૂધ્ધ રૂ. ૪,૭૩,૪૨૨ની સાદી રેતી (ખનીજ ચોરી) કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વાહન નંબરોને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ બારામાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં રાજકોટ ભુસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ ખાતામાં રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં સંજયકુમાર સુંદરજીભાઇ બારૈયાની ફરિયાદ પરથી પીળા કલરના ટ્રક નં. જીજે૦૩બીવી-૭૮૯૦ના ચાલક, ટ્રક નં. જીજે૧૩એકસ-૭૬૭૫ના ચાલક તથા લોડર મશીન જીજે૦૩એચઇ-૫૮૮૮ના ચાલક તથા સાદી રેતી ખનીજ ચોરી કરનારા ઇસમો અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૭૮, ૧૧૪ તથા ગુજરાત મિનરલ્સ એકટની કલમ ૪ (૧એ), ૨૧ મુજબ રૂ. ૪,૭૩,૪૨૨ની સાદી રેતી ચોરી કરી વેંચાણ કરવા સંગ્રહ કરવા સબબ ગુનો નોંધાયો છે.

અધિકારી સંજયકુમાર એસ. બારૈયાએ ખ્ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાજકોટ રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવું છું. અમને નાયબ કલેકટર મારફત રાજકોટના કુવાડવા તાબેના રફાળા ગામની સીમમાં તપાસ કરવાનું કહેવાતાં પંચોને સાથે રાખી ત્યાં જઇ તપાસ કરતાં પીળા કલરના ટ્રક ૭૨૯૦માં તથા ૭૬૭૫માં રેતીના અવશેષો જણાઇ આવ્યા હતાં. તેમજ એક લોડર મશીન ૫૮૮૮ દ્વારા સાદી રેતી ખનીજના સંગ્રહમાંથી ભરવા માટે ઉપગોમાં લેવામાં આવતું હોવાનું જણાયું હતું.

રેતીનો બીનવારસી ઢગલો જોવા મળ્યો હતો. આશરે ૫૦૦ ટ્રક સાદી રેતી ખનીજનો જથ્થો પડ્યો હોય તેવું જણાતું હતું. નાયબ કલેકટર દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે આ ટ્રકો જમા કરાવવા સુચના અપાતાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સ્થળ પર ખનીજના જથ્થાની માપણી માટે ટીમ અને મહેસુલ તલાટી બેડલા તથા તલાટી મંત્રી  રફાળાને બોલાવી તપાસ કરાવામાં આવતાં સરકારી ખરાબા સર્વે નં. ૩૩૬ પૈકીની જગ્યામાં પડેલી સાદી રીતેની માપણી થતાં ૧૩૯૯ મેટ્રીક ટન જેવી હોવાનું ફલીત થયું હતું. સાદી રેતી પ્રતિ મેટ્રીક ટન રૂ. ૨૪૦ ભાવ ગણતાં કુલ રૂ. ૩,૩૫,૭૬૦ તથા એન્વારમેન્ટલ કમ્પેન્શેશનના ઉદ્યોગ અને ખાણવિભાગ ગાંધીનગર દ્વારા સાદી રેતીનો ભાય ૯૦.૪૦ લેખે ગણતાં રૂ. ૧,૩૭,૬૬૨ની મુળી કુલ રૂ. ૪,૭૩,૪૨૨ની ખનીજ ચોરીની દંડકીય રકમ વસુલાત પાત્ર થતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. તપાસ બાદ નાયબ કલેકટરને લેખિત સુચના અને ભુસ્તરશાસ્ત્રીની મોૈખિક સુચના બાદ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ એચ.આર. હેરભા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

(11:31 am IST)