Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલમાં વઢવાણનાં દર્દીનું મોતઃ ઓકિસજન ન મળતા મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ ,તા.૭ : વઢવાણ શહેરી વિસ્તારમાં ખારવાની પોળ પાસે એસબીઆઈ બેન્ક સામે રહેતાં ચંદ્રકાન્તભાઈ નટવરલાલ ધોળકીયા (ઉ.વ.૭૫)ને થોડા દિવસો પહેલા કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલમાં કાર્યરત કોવીડ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

જયાં પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓએ બપોર સુધી ટેલીફોનીક વાતચીત કરી હતી પરંતુ ત્યારબાદ વાતચીત દરમ્યાન કોરોના પોઝીટીવ દર્દીના અવાજમાં ફેરફાર તેમજ દબાતો હોવાનું જણાઈ આવ્યું હતું અને તેના થોડા કલાકોમાં જ કોરોના દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

જયારે આ બનાવની જાણ થતાં પરિવારજનો સહિત સગા-સબંધીઓ હોસ્પીટલ ખાતે આવી પહોંચ્યા હતાં અને કોવીડ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ઓકસીજન ન મળતાં મોત નીપજયું હોવાનું હોસ્પીટલના ડોકટર સહિત સ્ટાફ સામે આક્ષેપ કરી કોવીડ હોસ્પીટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યા છે ત્યારે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૧૩૦૦ને પાર પહોંચી ચુકયો છે

ત્યારે જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પીટલમાં ડોકટર સહિત તંત્રની બેદરકારીના કારણે કોરોના પોઝીટીવ દર્દીને મોત નીપજયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે અને જિલ્લાની મુખ્ય કોવીડ હોસ્પીટલ સહિત તાલુકાઓમાં કાર્યરત કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર અને સુવિધા અંગે તપાસ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:50 am IST)