Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ગોંડલની હડમતાળા નદી ઉપર પુલ બાંધવા મુખ્યમંત્રીને રજૂઆત

ગોંડલ તા.૭ : તાલુકાના હડમતાળા ગામે નદી પર પુલ બાંધવા માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

કોલીથડ હડમતાળા ગામના મુળજીભાઇ વાળાએ મામલતદાર, ડે.કલેકટર, કલેકટર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી માંગ કરી હતી કે હડમતાળા ગામ પાસે નદી આવેલી હોય અને ચોમાસામાં જયારે જયારે વધુ વરસાદ પડે કે મોતીસર ડેમનું પાણી છોડવામાં આવે છે નદીમાં ધસમસતુ પુર આવે છે. ગામના આશરે ૬૦૦ થી પણ વધુ ખેડૂતોને પાટીયાળી ગામ થઇને ૬ થી ૭ કીમી નો ફોગટ ફેરો ફરી વાડી ખેતરે જવાની ફરજ પડે છે.

ખેડૂતોને નદીના ધસમસતા વહેણમાંથી પસાર થવુ જીવના જોખમ ભર્યુ હોય છે થોડા વર્ષો પહેલા જ ગામના બે યુવાનો પુરમાં તણાઇને મોતને ભેટયા હતા નદી પર પુલ બાંધવા માટે અનેકવાર રજૂઆત કરાઇ છતા પણ તંત્રનું પેટનુ પાણી હલતુ નથી. આ અંગે તાકિદે રજૂઆતને ન્યાય આપી પુલ બાંધી આપવા માંગ કરી છે.(૪૫.૮)

(11:50 am IST)